(એજન્સી) મુંબઇ,બેંગલુરૂ, તા.૧૦
કર્ણાટકની રાજકીય કટોકટી દિવસેને દિવસે વધુ વિકટ બની રહી છે. રાજ્યની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર બચાવવાની ક્વાયતમાં મુંબઇના પવઇ વિસ્તારમાં આવેલી ફાઇવ સ્ટાર હોટલમાં રોકાયેલા બળવાખોર ધારાસભ્યોને મનાવવા માટે પહોંચેલા કર્ણાટક કોંગ્રેસના સંકટ મોચક ડીકે શિવકુમાર અને મુંબઇ કોંગ્રેસના નેતા મિલિંદ દેવડાની મુંબઇ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જ્યારે બીજીબાજુ કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં રાજભવનની બહાર પ્રદર્શન કરતી વખતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદની પણ અટકાયત કરવામાં આવી છે. કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોએ ડીકે શિવકુમાર અને કર્ણાટક ગઠબંધનના અન્ય નેતાઓથી તેમના જીવ સામે ખતરો વ્યક્ત કરીને પોલીસ સુરક્ષાની માગણી કરી હતી. બળવાખોર ધારાસભ્યોએ મુંબઇ પોલીસ સમક્ષ એવો પણ ભય વ્યક્ત કર્યો હતો કે શિવકુમાર અને કર્ણાટકના મુખ્ય પ્રધાન એચડી કુમારસ્વામી હોટલમાં ઘૂસવાનો પ્રયાસ કરશે અને હોટલમાં ઘૂસી જશે. તનાવને ધ્યાનમાં રાખીને રિનેસન્સ હોટલની આસપાસના વિસ્તારમાં ૧૪૪ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. શિવકુમાર બળવાખોર ધારાસભ્યોને મળ્યા વગર ત્યાંથી જવા માટે તૈયાર ન હતા. શિવકુમાર આશરે સાડા છ કલાક સુધી હોટલની બહાર બેઠા રહ્યા હતા. છેવટે પોલીસે બપોરે અઢી વાગ્યાના સુમારે શિવકુમારની અટકાયત કરી હતી. શિવકુમાર અને કોંગ્રેસના અન્ય નેતાઓને કલિના યુનિવર્સિટીના રેસ્ટ હાઉસ લઇ જવામાં આવ્યા છે.દરમિયાન, બળવાખોરોના રાજીનામા સ્વીકાર કરવામાં નહીં આવતા તેઓ સુપ્રીમકોર્ટમાં ગયા છે. બળવાખોરોએ કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ સામે બંધારણીય ફરજ નહીં અદા કરવાનો અને તેમના રાજીનામા સ્વીકારવામાં ઇરાદાપૂર્વક વિલંબ કરવાનો આરોપ મુક્યો છે. આવતીકાલે સુપ્રીમકોર્ટમાં તેમની અરજીની સુનાવણી કરવામાં આવશે. બળવાખોરો વતી ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ રજૂઆત કરી હતી. દરમિયાન, હોટલ પ્રશાસને શિવકુમારનું બુકીંગ પર રદ કરી દીધું છે. તેમણે હોટલમાં રોકાવા માટે એક રૂમ પણ બુક કરાવ્યો હતો.
અગાઉ, સવારે ૮ વાગ્યાના સુમારે શિવકુમાર અને જેડીએસના ધારાસભ્ય શિવાલિંગે ગૌડા હોટલ પાસ પહોંચ્યા હતા. મુંબઇ પહોંચ્યીને શિવકુમારે બળવાખોર ધારાસભ્યોને પોતાના મિત્ર ગણાવીને કહ્યું હતું કે રાજનીતિમાં અમારો જન્મ સાથે થયો છે અને અમે સાથે જ મરીશું. અમારી વચ્ચે નજીવી સમસ્યા છે અને આ સમસ્યા વાતચીતથી ઉકેલી લેવામાં આવશે. અમે તાકીદે તલાક લઇ શકતા નથી. તેમણે કહ્યું કે બળવાખોર ધારાસભ્યોને ધમકી આપવાનો પ્રશ્ન જ નથી. અમે એક-બીજાને પ્રેમ કરીએ છીએ અને આદર કરીએ છીએ. જોકે, મુંબઇ પોલીસે શિવકુમારને હોટલમાં જતા અટકાવી દીધા હતા. દરમિયાનમાં જેડીએસ નેતા નારાયણ ગૌડાના સમર્થકોએ ગો બેક, ગો બેકના નારા લગાવ્યા હતા. શિવકુમારે મુંબઇ પોલીસ સાથે વાતચીત કરીને તેમને સમજાવીને હોટલમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. શિવકુમાર બળવાખોર ધારાસભ્યો સાથે મુલાકાત કરવા પર અડગ રહ્યા હતા. બળવાખોરો તેમને ફોન કરશે અને તેમનું હૃદય પીગળશે. હું પહેલાથી જ તેમના સંપર્કમાં છું. નાટયાત્મક રીેતે તેમણે એવુંં પણ કહ્યું કે મારી પાસે હૃદય છે , શસ્ત્રો નથી. જ્યારે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય રમેશ જરકિહોલીએ કહ્યું કે શિવકુમારને મળવામાં અમને કોઇ રસ નથી અને અમારી સાથે મુલાકાત કરવા માટે ભાજપનો પણ કોઇ નથી. અન્ય બળવાખોર નેતા બી. બસવરાજે કહ્યું કે શિવકુમારનું અપમાન કરવાનો અમારો કોઇ ઇરાદો નથી. અમને તેમને પર ભરોસો છે પરંતુ કોઇ ખાસ કારણસર અમે આ પગલું ભર્યું છે. મૈત્રી, પ્રેમ અને સ્નેહ એક તરફ છે પરંતુ આજે અમે તેમને મળવા માગતા નથી.

કર્ણાટકના વધુ બે ધારાસભ્યોના રાજીનામાથી કટોકટી
વધુ વિકટ બની, ગઠબંધનની સંખ્યામાં ૧૮નો ઘટાડો

કર્ણાટકમાં મુશ્કેલીમાં ઘેરાયેલી કુમારસ્વામી સરકારને બુધવારે સાંજે વધુ એક આંચકો લાગ્યો છે. કોંગ્રેસ પાર્ટી તેના બળવાખોર ધારાસભ્યોને મનાવવાના પ્રયાસો કરી રહી છે ત્યારે બુધવારે સાંજે રાજ્ય સરકારના બે મોટા પ્રધાનો અને કોંગ્રેસના બે ધારાસભ્યો – એમટીબી નાગરાજ અને ડો.કે.સુધાકરે વિધાનસભાના સ્પીકરને પોતાના રાજીનામા સુપરત કરી દીધા છે. મંગળવારે કર્ણાટક કોંગ્રેસ વિધાનસભા પક્ષ (સીએલપી)ની યોજાયેલી બેઠકમાં આ બંને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા ન હતા. કોંગ્રેસના આ બે ધારાસભ્યોના રાજીનામાથી હવે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનની કુલ સંખ્યામાં ૧૮ સભ્યોનો ઘટાડો થયો છે અને બળવાખોરોની સંખ્યા વધીને ૧૮ થઇ ગઇ છે. સ્પીકરે પણ કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોના રાજીનામા મળ્યા હોવાની પુષ્ટિ કરી છે. જોકે, સ્પીકરે તેમના કોઇના પણ રાજીનામા સ્વીકાર્યા નથી. સ્પીકરે જણાવ્યું કે મેં કોઇ રાજીનામા સ્વીકાર્યા નથી, એક રાત્રે હું આ બધું કરી શકું નહીં. બળવાખોર ધારાસભ્યોને ૧૭મી જુલાઇ સુધીનો સમય આપવામાં આવ્યો છે. યોગ્ય પ્રક્રિયા અનુસરીને જ નિર્ણય લેવામાં આવશે.

સુપ્રીમકોર્ટમાં કર્ણાટક કેસમાં અભિષેક
મનુ સિંઘવી કોંગ્રેસ તરફે રજૂઆત કરશે

કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો દ્વારા તેમના રાજીનામા સ્વીકારવાનો રાજ્ય વિધાનસભા અધ્યક્ષને આદેશ આપવાની માગણી કરતી સુપ્રીમકોર્ટમાં રજૂ કરવામાં આવેલી અરજી આવતીકાલે ગુરૂવારે સુપ્રીમકોર્ટમાં હાથ ધરવામાં આવે તેવી સંભાવના છે ત્યારે કોંગ્રેસ સુપ્રીમકોર્ટમાં તેનો કેસ રજૂ કરશે. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે જણાવ્યું કે સુપ્રીમકોર્ટમાં આવતીકાલે અભિષેક મનુસિંઘવીજી કોંગ્રેસ તરફે રજૂઆત કરશે. બળવાખોર ધારાસભ્યો વતી ઉપસ્થિત થયેલા ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વવાળી ત્રણ જજીસની બેંચ સમક્ષ અરજી મેન્શનલ કરવામાં આવી હતી. સુપ્રીમકોર્ટમાં આવતીકાલે આ કેસમાં સુનાવણી કરવામાં આવે તેવી સંભાવના છે. બળવાખોરોેએ રજૂ કરેલી તેમની અરજીમાં ગૃહમાંથી તેમને ગેરલાયક ઠરાવવાની અરજી પર કાર્યવાહી નહીં કરવા અને તેમના રાજીનામા સ્વીકારવા માટે સ્પીકર કેઆર રમેશકુમારને આદેશ આપવાની માગણી કરી છે.

શિવકુમારને રોકવા બદલ નિરૂપમે મુંબઇ પોલીસની ટીકા કરી

મુંબઇ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંજય નિરૂપમે કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રધાન ડીકે શિવકુમારને હોટલ રિનેસન્સની બહાર રોકવા બદલ બુધવારે શહેર પોલીસની ટીકા કરી છે. તેમણે કહ્યું કે શિવકુમારને રોકવા બદલ મુંબઇ પોલીસની હું ટીકા કરૂં છું. રાજ્યના આદરણીય પ્રધાન સાથે આવો વ્યવહાર કરવાની મહારાષ્ટ્રની સંસ્કૃતિ નથી. સંજય નિરૂપમે આવી રીતે વ્યવહાર નહીં કરવાની મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને અરજ કરી છે અને હોટલમાં ભાજપ દ્વારા પકડીને કેદમાં રાખવામાં આવેલા તેમના સાથીદારો સાથે શિવકુમારને મળવા દેવાનું કહ્યું છે. શિવકુમારે હોટલમાં રૂમ બુક કરાવ્યો હોવા છતાં હોટલના પરિસરમાં શિવકુમારને પ્રવેશ કરતા મુંબઇ પોલીસ દ્વારા અટકાવી દેવામાં આવ્યા બાદ સંજય નિરૂપમે આ ટિપ્પણીઓ કરી છે. જોકે, હોટલના પ્રશાસને પછીથી શિવકુમારનું બુકીંગ રદ કર્યું હતું.