(એજન્સી) ગુડગાંવ, તા.ર૭
ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની નજીક આવેલ હરિયાણાના ગુડગાંવમાં એક પોલીસ કોન્સ્ટેબલનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના મંગળવારે ઘટી હતી અને હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કોન્સ્ટેબલને તેમના ઘરમાંથી ઢસડી લાવીને અપહરણકર્તાઓએ તેમને જબરદસ્તીથી ગાડીમાં બેસાડી દીધા. આ કોન્સ્ટેબલની ઓળખ મદન તરીકે થઈ છે. અપહૃત કોન્સ્ટેબલે સફારી કારમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો પરંતુ અપહરણકર્તાઓએ તેમને જકડી રાખતા તે કારમાંથી નાસી છૂટવામાં નિષ્ફળ રહ્યા. ત્યારબાદ અપહરણકર્તાઓ મદનને ખૂબ જ દૂર લઈ જવામાં સફળ રહ્યા.
આ ઘટના સેકટર ૧૪ના રાજીવનગર વિસ્તારમાં ઘટી હતી. જ્યારે આ ઘટનાની સ્થાનિકોને જાણ થઈ ત્યારે તેઓ ડઘાઈ ગયા હતા. લોકોની રક્ષા કરનારા પોલીસકર્મીઓ પણ જો ધોળા દિવસે સુરક્ષિત ન હોય તો સામાન્ય નાગરિકની સુરક્ષા તો યક્ષ પ્રશ્ન બની જાય.
બીજી તરફ કોંગ્રેસે હરિયાણાની ભાજપ સરકાર પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળવાને કારણે આકરા પ્રહારો કર્યા હતા. વરિષ્ઠ કોંગ્રેસી નેતા રણદીપ સુરજેવાલાએ ટ્‌વીટ કરી હતી કે, હરિયાણામાં ભાજપના રાજમાં જ્યારે પોલીસ કર્મી જ સુરક્ષિત નથી તો સામાન્ય જનાતાની સ્થિતિ તો આપણે સારી રીતે સમજી જ શકીએ છીએ. આ ઘટનાને ટાટા સફારી કારમાં સવાર બદમાશોએ અંજામ આપ્યો છે, ત્યારે ખટ્ટર સરકાર ક્યારે જાગશે ?