(એજન્સી)
નવી દિલ્હી,તા.૧પ
શુક્રવારે કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરમાં મુખ્ય પ્રવાહના રાજકીય નેતાઓની નજર કેદ અંગે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસે પૂછયું છે કે, સોમવારથી શરૂ થનારા સંસદના શિયાળુ સત્ર માટે શું શ્રીનગરના લોકસભાના સભ્ય ફારૂક અબ્દુલ્લાને ભાગ લેવાની પરવાનગી આપવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારૂક અબ્દુલ્લાને વિવાદાસ્પદ જાહેર સુરક્ષા કાયદા (પીએસએ) હેઠળ હિરાસતમાં લેવામાં આવ્યા હતા. કોંગ્રેસ પ્રવકતા પવન ખેડાએ કહ્યું કે, કાશ્મીરમાં પાછલા ૧૦૩ દિવસોથી તાળાબંધીની સ્થિતિ છે. વડાપ્રધાન સમગ્ર દુનિયામાં બધુ જ બરાબર છે નો રાગ આલાપ્યા કરે છે. સરકારે એ કારણ દર્શાવવું જોઈએ કે, તેણે રાજકીય દળોના નેતાઓને નજર કેદ કેમ રાખ્યા છે. શું ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુફતીએ ભારતના બંધારણ હેઠળ શપથ લીધા નથી ? ઓમર અબ્દુલ્લા અટલબિહારી વાજપેયીના મંત્રીમંડળમાં ઘણા મહત્વપૂર્ણ પદો સંભાળી ચુકયા છે. તમે લોકો મહેબુબા મુફતી સાથે સરકારની રચના કરી ચુકયા છો અને આજે તમે લોકો તેમને અલગતાવાદીઓની શ્રેણીમાં સામેલ કરી રહ્યા છો. ખેડાએ વધુમાં ઉમેર્યું કે, કોંગ્રેસ ૧૮ નવેમ્બરથી ૧૩ ડિસેમ્બર સુધી ચાલનારા સંસદના શિયાળુ સત્રમાં મુખ્ય પ્રવાહના તે તમામ નેતાઓ માટે અવાજ ઉઠાવશે, કે જે જમ્મુ-કાશ્મીરમાં નજર કેદ છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ કેન્દ્ર પર કાશ્મીરનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો પણ આરોપ મુકયો છે. પાર્ટીએ જણાવ્યું છે કે, મોદી સરકારે આવું કરવામાં કઈ જ બાકી રાખ્યું નથી. આટલું જ નહીં, સરકારે યુરોપિયન સંઘ (ઈયુ)ના સાંસદોને ખીણની મુલાકાતે જવાની પરવાનગી આપી, પરંતુ ભારતીય નેતાઓને ત્યાં ન જવા દીધા.