(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
કોંગ્રેસે શુક્રવારે આકાશ આંબતા ઇંધણોના ભાવો મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે, ઇંધણો પર લગાવેલા ટેક્ષથી સરકારે ૧૧ લાખ કરોડ રૂપિયાનો નફો કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, મોદી સરકારે લાદેલા રાક્ષસી ટેક્ષને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવો આકાશ આંબી રહ્યા છે. ઇંધણો પર લગાવેલા કઠોર ટેક્ષથી મોદી સરકારે અત્યારસુધી ૧૧ લાખ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવો સર્વોચ્ચ સપાટીએ છે અને સામાન્ય જનતા, મધ્યમ વર્ગ, ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને નાના તથા મધ્ય ઉદ્યમીઓ તેનું દર્દ ઝીલી રહ્યા છે. જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવો તમામ ભારતીયોના બજેટમાં સળગતી સમસ્યા છે. સૂરજેવાલાએ કહ્યું કે, ઇંધણોની લૂંંટ બદલ મોદી સરકારને ભારતના લોકો ભૂલી નહીં શકે અને માફ પણ નહીં કરે તથા આગામી ચૂંટણીઓમાં ભાજપને જોરદાર જવાબ આપશે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન અને તેમની સરકાર આ વેદનાને સુધારવાના કાર્યો કરવાના ઇન્કાર કરે છે અને સામાન્ય લોકોને કષ્ટ આપી રહી છે. સૂરજેવાલાએ કહ્યું કે, ડીઝલની કિંમત પ્રતિલિટરે ૭૦.૨૬ થતા ખેડૂતોનું જીવન ખોરવાયું છે ઉપરાંત વધી રહેલા ફુગાવાની અસર પણ થઇ રહી છે જ્યારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતો ૭૮.૫૭ની ઊંચી સપાટીએ પહોંચી જતા સામાન્ય લોકોના પરિવહન અને મુસાફરી પર સીધી અસર કરી રહ્યા છે. મુંબઇમાં કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારો દ્વારા લગાવેલા ટેક્ષને પગલે પેટ્રોલની કિંમત ૮૬ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત ૭૪.૫૯ રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઇ છે. સૂરજેવાલાએ કહ્યું કે, ૨૦૧૪માં મોદી સરકાર જ્યારથી સત્તા પર આવી છે ત્યારથી પેટ્રોલની કિંમત પર એક્સાઇઝમાં ૨૧૧.૭ ટકાનો વધારો કરાયો છે જ્યારે ડીઝલની કિંમતો પરની ડ્યૂટીમાં ૪૩૩.૦૬ ટકાનો વધારો ઝીંકાયો છે. ભાજપ સત્તામાં આવી છે ત્યારથી કેન્દ્રીય એક્સાઇઝ ડ્યૂટીમાં ૧૨ વખત વધારો કરાયો છે. ૧૫ દેશોને સસ્તા ભાવે પેટ્રોલ અને ડીઝલની નિકાસ કરવા બદલ કેન્દ્ર સરકારની આકરી ટીકા કરતા તેમણે કહ્યું કે, ૭૦થી ૭૫ રૂપિયામાં વેચી શકાય તેવા પેટ્રોલ અને ડીઝલની કિંમતો હાલ ભારતમાં ૭૮-૮૬ રૂપિયા છે પણ આરટીઆઇમાં ખુલાસો થયો છે કે, મોદી સરકાર ૧૫ દેશોને ૩૪ રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ વેચી રહી છે અને ૨૯ દેશોને ફક્ત ૩૭ રૂપિયાના ભાવમાં ડીઝલ વેચી રહી છે. આ દેશોમાં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, મલેશિયા અને ઇઝરાયેલનો પણ સમાવેશ થાય છે. આથી દેખાય છે કે, મોદી સરકાર કેવી રીતે દેશના લોકો સાથે દગો કરે છે અને પીઠમાં છરો ભોંકે છે. તેમણે એમ પણ કહ્યું કે, મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવોને જીએસટી હેઠળ લાવવાની અમારી માગને પણ ફગાવી રહી છે.