(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૩
બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર વખતે ગાર્ડ ઓફ ઓનર આપતી વેળાએ રર રાયફલમાંથી એક પણ ના ફૂટતા તેને લઈને કોંગ્રેસના પ્રવક્તાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આ ઘટનામાં બિહારની જનતાનો છૂપો સંદેશો છે કે, બંદૂકો તો બદલો પણ તે સાથે બિહારની ફૂટેલી કારતૂસો પણ બદલો.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરતી વેળાએ સરકારી સલામી આપતા એટલે કે ગાર્ડ ઓફ ઓનર વખતે ૨૨માંથી એક પણ રાઈફલમાંથી ગોળી ના છૂટી. મુખ્યમંત્રી નીતિશ કુમાર, ભાજપા અધ્યક્ષ મંગલ પાંડે અને વિધાનસભા અધ્યક્ષ સહીત સૌની હાજરીમાં કારતૂસો ના ફૂટતાં કરૂણ પ્રસંગ રમુજમાં ફેરવાઈ ગયો હોવાનું જણાવતા કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહે વધુમાં ઉમેર્યું કે, સૌથી હાસ્યાસ્પદ વાતતો એ બની કે બિહારના પોલીસ વડાએ રાઈફલ નહીં ચાલવા માટે ભેજવાળું વાતાવરણ કારણભૂત હોવાનું જણાવ્યું હતું.
આ મુદ્દે આશ્ચર્ય સાથે તેમણે કહ્યું કે, ભેજમાં રાઈફલ હવાઈ જતી હોય તો કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ કે અન્ય ઠંડા પ્રદેશોની સરહદ પર દુશ્મનો સામે પથરા કે ગીલોલથી સામનો કરાતો હશે ? ત્યાં શું પેલા સંઘવાળા ભરચક શહેરો તેમની શાખાઓમાં લાકડીઓ વચ્ચે કરતબ દેખાડે છે એ લાકડીઓ અને ડંંડાથી લડતા હશે ? આ બિહારના પોલીસ વડાએ તો વરસાદી મોસમમાં આતંકવાદીઓને આમંત્રણ આપતી ટીપ આપવાનુ કામ કર્યું. બિહાર પોલીસ જે રાઈફલ વાપરે છે તે લિજ્જત પાપડવાળા તો નથી બનાવતા ને ?
પ્રવક્તાએ વધુમાં પ્રહારો કરતાં જણાવ્યું કે, રાઈફલ નહીં તમારો વહીવટ હવાઈ ગયો છે. નીતિશ કુમાર જેવી વારંવાર બંદૂકો બદલતી કારતૂસો હવે બિહારમાં નહીં ચાલે તેનો આ સંકેત છે. બિહાર સરકારે એક નોટીફીકેશન બહાર પાડી ભેજવાળા વાતાવરણમાં દીવંગત થતા રાજકીય મહાનુભાવોના સન્માનમાં રાઈફલથી સલામી નહીં અપાય તેવું જાહેર કરી દેવું જોઈએ.