(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૮
ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલને જીતાડવા કોંગ્રેસે જે પ્રકારે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે શક્તિ, તાકાત અને પ્રચંડ એકતાની શરૂઆતથી અંત લઈ પ્રદર્શન કર્યું છે તે કાબિલે તારીફ છે. સાથે સાથે ભાજપની ગંદી રાજરમત અને જુઠ્ઠાણાનો વિશ્વ સમક્ષ પર્દાફાશ થયો હતો.
ગુજરાતમાં ૧૯૯૬થી રાજ્યસભાની ચૂંટણીમાં ક્યારેય મતદાન થયું નથી અને ચાલુ વર્ષે પણ મતદાનની કોઈ આવશ્યક્તા ન હતી પરંતુ ભાજપે કોંગ્રેસ પાસેથી ત્રીજી બેઠક પણ આંચકી લેવા કોંગ્રેસના સભ્યોને સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી ફોડવાના પ્રયત્નો શરૂ કર્યા ત્યારથી જ ભાજપની ચાણક્ય નહીં પરંતુ મેલી રાજરમતની ચાલ બહાર આવી હતી. ભાજપે અહમદ પટેલને હરાવવા કોઈ કચાશ બાકી રાખી ન હતી. પરિણામે કોંગ્રેસના ૪૪ ધારાસભ્યોને લોકશાહીની રક્ષા અને ધારાસભ્યોની સુરક્ષા માટે બેંગ્લુરૂ લઈ જવાની ફરજ પડી હતી.
બેંગ્લુરૂમાં ૯ દિવસ પરિવારથી દૂર રહ્યા છતાં કોંગ્રેસના ધારાસભ્યોએ જે ધીરજ દર્શાવી હતી. તેને ખુદ અહમદભાઈ પટેલે બિરદાવી તેમની હિંમતને સલામ કર્યા હતા. બેંગ્લુરૂથી આવી કોંગ્રેસના ધારાસભ્યો રક્ષાબંધન મનાવવા તેમના ઘરે ન જતાં ધારાસભ્યોની બહેનો, સગાસંબંધીઓ અને મિત્રોએ આણંદના રિસોર્ટમાં જઈ ધારાસભ્યો સાથે પર્વ ઉજવ્ય્‌ ત્યારબાદ આજે વહેલી સવારે આણંદથી સ્વર્ણિમ સંકુલ-ર ખાતે આવી એક સિવાય તમામ ધારાસભ્યોએ કોંગ્રેસના ઉમેદવાર અહમદભાઈ પટેલની તરફેણમાં મત આપી પ્રચંડ એકતાના દર્શન કરાવ્યા હતા.
કોંગ્રેસના ધારાસભ્યોની સાથે અહમદ પટેલની જીત માટે સૌથી મોટો સિંહફાળો હોય તો તે ધારાસભ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, પ્રમુખ ભરતસિંહ સોલંકી અને પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનો છે. આ ત્રણે નેતાઓએ ધારાસભ્યોને સતત હૂંફ, જુસ્સો, માર્ગદર્શન અને માનસિક શક્તિ પૂરી પાડી હતી. તેના લીધે ધારાસભ્યો તેમના નિર્ણયમાં અડગ રહ્યા હતા. સૌથી મહત્ત્વની બાબત શક્તિસિંહ ગોહિલની મતદાન સમયની સતર્કતાની રહી હતી. કારણ કે કોંગ્રેસના બે બળવાખોર ધારાસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઈ ગોહિલે જ્યારે મત આપી બેલેટ પેપર કોંગ્રેસ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તરફ બતાવ્યું ત્યારે તુરંત જ શક્તિસિંહ ગોહિલે વિરોધ નોંધાવી તેમને બેલેટ પેપરમાં મત નાખતા અટકાવ્યા હતા અને આ બંને ધારાસભ્યોના મત રદ કરવા રિટર્નિંગ ઓફિસરને રજૂઆત કરી હતી. પરંતુ ભાજપે તેનો વિરોધ કરતાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ રણજીત સુરજેવાલ, આનંદ શર્મા, ગુલામનબી આઝાદ વગેરે રાષ્ટ્રીય ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરવા ગયા હતા જેના જવાબમાં ભાજપના નેતાઓ પણ ચૂંટણીપંચમાં રજૂઆત કરવા દોડી ગયા હતા. આથી કોંગ્રેસને શંકા થઈ કે ચૂંટણીપંચ ભાજપના દબાણમાં કોઈ નિર્ણય ન લઈ લે. આથી બીજીવાર પણ તેઓ ચૂંટણીપંચમાં ગયા અને રજૂઆત કરી આના પગલે ભાજપ પણ બીજીવાર ચૂંટણીપંચ સમક્ષ ગયું. આ પ્રક્રિયા મોડી રાત્રી સુધી જારી રહી હતી. અંતે ચૂંટણીપંચે કોંગ્રેસની ફરિયાદને ધ્યાને લઈ કોંગ્રેસના બળવાખોર બંને ધારાસભ્યોના મત રદ કરવા સૂચના જારી કરતા કોંગ્રેસની છાવણીમાં ખુશાલી વ્યાપી ગઈ હતી અને અહમદ પટેલની જીત નિશ્ચિત થઈ જતાં કોંગ્રેસે રાજ્યથી લઈ રાષ્ટ્રીય સ્તર સુધી તમામ સ્તરે વિપરીત સંજોગોમાં પણ જે લડાઈ લડી તે આખરે સત્યનો વિજયના રૂપમાં બહાર આવી હતી. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભાજપના સીએમઓથી લઈ પીએમઓ સુધી અને પ્રદેશ અધ્યક્ષથી લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીના તમામ નેતાઓએ અહમદભાઈ પટેલને હરાવવા તમામ શક્તિ કામે લગાવી દીધી હતી. એ જ અહમદ પટેલની તાકાતનો ઉત્તમ નમૂનો છે.