(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૩
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે તા.૪ ઓગસ્ટના રોજ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારો ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેશે. રાહુલ ગાંધીની મુલાકાત હેલિકોપ્ટરમાં બેઠા બેઠા નહીં હોય પરંતુ જમીની મુલાકાત હશે અને પૂરગ્રસ્તોને રૂબરૂ મળી તેમની વ્યથા અને આપવિતી સાંભળશે. એમ કોંગ્રેસ દ્વારા જણાવાયું છે. રાહુલ ગાંધી આવતીકાલે શુક્રવારે બનાસકાંઠા જિલ્લાના સૌથી વધુ અસરગ્રસ્ત ધાનેરા અને થરા ખાતે અતિવૃષ્ટિના કારણે ભોગ બનેલા અસરગ્રસ્તો અને પૂરપીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા મુલાકાત લેશે. આ અંગેની વિગતો આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું છે કે રાહુલ ગાંધી બપોરે ર કલાકે ધાનેરા ખાતે આવી પહોંચશે જ્યાં ધાનેરા શહેરના પૂરપીડિતો સાથે વાતચીત કરી માલોતરા ગામના પૂરગ્રસ્તોની મુલાકાતે જશે. ત્યારબાદ બપોરે ૩ વાગ્યે થરાની મુલાકાત લેશે જ્યાં રૂણીગામના પૂરપીડિતો સાથે મુલાકાત કરશે. ઉપરાંત જૈન ઉપાશ્રય ખાતે આશ્રય લઈ રહેલા આસપાસના પૂરપીડિતો અને અસરગ્રસ્તો સાથે સંવાદ કરશે.