(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૭
ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્હી ખાતે મળેલી બેઠક બાદ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧રપ બેઠકો પર જીત મેળવવાના નિર્ધાર સાથે કોંગ્રેસે કમર કસી છે. રાજ્યસભાની ચૂંટણીમાં અનેક પડકારો અને અવરોધો પાર કરી અહમદ પટેલે જે જીત મેળવી છે તેનાથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં પ્રાણ ફૂંકાયા છે. હવે ચૂંટણી અગાઉ શંકરસિંહ વાઘેલા જૂથની બાદબાકી બાદ સંગઠનમાં પણ નિમણૂક કરવામાં આસાની રહેશે અને ટૂંક સમયમાં પ્રદેશ અને શહેર સંગઠનોમાં ધરખમ ફેરફારની શક્યતા વર્તાઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવાના દૃઢ નિર્ધાર સાથે કોંગ્રેસના નેતાઓએ વિવિધ સોશિયલ મીડિયા કંપનીઓ સાથે બેઠક યોજી હતી. કોંગ્રેસના આંતરિક સર્વે બાદ બહાર આવેલા અહેવાલમાં ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસની સ્થિતિ સારી દર્શાવાઈ રહી છે પરંતુ શહેરી વિસ્તારની ૬ર બેઠકો પર કોંગ્રેસે સખત મહેનત કરવાની જરૂર છે. ખાસ કરીને શહેરના યુવા મતદારોને પોતાની તરફ આકર્ષવા કોંગ્રેસ માટે મોટો પડકાર છે. આથી સોશ્યલ મીડિયાના માધ્યમથી યુવા મતદારોને આકર્ષવા કોંગ્રેસે બીડું ઝડપ્યું છે. રાજ્યસભાની ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહનો નવસંચાર થયો છે. આથી કોંગ્રેસના સંગઠનમાં પણ ફેરફાર કરવાની તૈયારી આરંભી દેવાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ શંકરસિંહ વાઘેલા જૂથની બાદબાકી બાદ પ્રદેશ અને શહેર સંગઠનમાં સંપૂર્ણ વફાદારોને સ્થાન અપાશે. એ માટે ગતરોજ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને પ્રભારી, સહપ્રભારી વગેરેએ દિલ્હી ખાતે હાઈકમાન્ડ સાથે ચર્ચા વિચારણા પણ હાથ ધરી સંગઠનમાં નિમણૂકનો માર્ગ મોકળો કર્યો છે. મોટા ભાગે આ માસના અંત સુધીમાં સંગઠનમાં ધરખમ ફેરફારની શક્યતા છે.