ગાંધીનગર, તા. ૧૫
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષની વિકાસની સકારાત્મક રાજનીતિના કારણે ૧૫૦થી વધુ બેઠકો મેળવી રાજ્યમાં સરકાર બનાવશે તેવા વિશ્વાસ સાથે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે ભૂતકાળમાં જાતિવાદનું ઝેર ફેલાવવાની નકારાત્મક રાજનીતિ કરી હતી જેને લોકો આજ દિન સુધી ભુલી શક્યા નથી. વર્ષ ૨૦૧૫માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૮૦ ટકા ગ્રામ પંચાયતોમાં ભાજપને વિજય મળ્યો હતો. કોંગ્રેસના ગઢ સમાન તલાલા અને સુરત જિલ્લાની બે વિધાનસભાની પેટા ચૂંટણીઓ અને નગરપાલિકાની ચૂંટણીઓ ભાજપ જીત્યું હતું. હાલ કોંગ્રેસ પાસે નેતાગીરીનો અભાવ છે. ગુજરાતની પ્રગતિ અને વિકાસ અંગેના કોઇ મુદ્દા નથી. જાતિવાદ ઉપર રાજનીતિ કરી રહેલી કોંગ્રેસને શરણે ત્રણ યુવા નેતાઓ ગયા હોવાનું કહી તેમણે આડકતરી રીતે હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર ઉપર પણ નિશાન ટાંકતા કહ્યું કે, આ ત્રણેય નેતાઓને કોંગ્રેસના એજન્ટ છે તેમ કહેવામાં કશું જ ખોટું નથી.