બીઆરટીએસ બસની ટક્કરે બે સગા ભાઈઓના મોત બાદ કોંગ્રેસે આડકમરૂપ અપનાવ્યું છે અને બીઆરટીએસ કોરીડોર હટાવો અમદાવાદના નિર્દોષ નાગરિકોના જીવ બચાવોની માગ સાથજે મ્યુનિસિપલ કચેરી ખાતે દેખાવો કર્યા હતા. તેમજ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ રસ્તા વચ્ચે બેસી જઈ ચક્કાજામ કર્યો હતો. આથી પોલીસે તેઓની અટકાયત કરી હતી. કોંગ્રેસની મહિલા આગેવાનોએ આ ઘટનામાં મ્યુનિ.ને જવાબદાર ઠેરવી મેયરના રાજીનામાની માગ સાથે મેયરને બંગડીઓ પહેરી લેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
અમદાવાદ, તા.૨૧
પાંજરાપોળ પાસે બીઆરટીએસ બસની અડફેટે બે સગા ભાઇઓના મોતની ઘટના બાદ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. કોંગ્રેસે આજે દાણાપીઠ ખાતેની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી ખાતે ઉગ્ર દેખાવો અને વિરોધ પ્રદર્શન યોજયા હતા. કોંગ્રેસ તરફથી બીઆરટીએસ કોરીડોર હટાવો, નિર્દોષ નાગરિકોને બચાવોની માંગણી કરી જોરદાર સૂત્રોચ્ચાર અને દેખાવો યોજયા હતા. એક તબક્કે પોલીસ છાવણીમાં ફેરવાયેલી મ્યુનિસિપલ કચેરીમાં દેખાવો કરતા વિપક્ષના નેતા દિનેશ શર્મા, શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ, અમ્યુકોના વિપક્ષના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષી સહિતના નેતાઓએ સમગ્ર કરૂણાંતિકાને લઇ અમ્યુકો સત્તાવાળાઓને જવાબદાર ઠરાવી હતી અને એક તબક્કે મેયર શ્રીમતી બીજલબહેન પટેલના રાજીનામાની માંગણી કરી હતી. આજે કોંગ્રેસના દેખાવો દરમ્યાન અમ્યુકો કચેરી ખાતે પોલીસે એક તબક્કે બળપ્રયોગ કરી, ટીંગાટોળી કરી કોંગ્રેસના સંખ્યાબંધ કાર્યકરોની અટકાયત કરી હતી. બીજીબાજુ, કોંગ્રેસના દેખાવો અને વિવાદ વકરે નહી તે હેતુથી મેયર બીજલબહેન પટેલ તેમની કચેરીમાં હાજર જ રહ્યા ન હતા, જેને પગલે કોંગ્રેસે મેયર પર પ્રજાના પ્રશ્નો સાંભળવાના બદલે મેદાન છોડવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. મહિલા કોંગી કાર્યકરોએ હાથમાં બંગડીઓ લઇ અમ્યુકો સત્તાધીશોને તેમની નિષ્ફળતા માટે જવાબદાર ઠરાવી બંગડી પહેરી લેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. અમ્યુકો વિપક્ષના નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકો કે વાહનચાલકો બીઆરટીએસ કોરિડોરમાંથી પસાર થતા હોય કે ક્રોસ કરતાં હોય ત્યારે બીઆરટીએસ બસના ડ્રાઇવરો બસની સ્પીડ ઓછી કરવાના બદલે તે બેફામ રીતે હંકારી જતા હોય છે, જેના કારણે અનેક અકસ્માતો સર્જાતા હોય છે. આજની કરૂણાંતિકામાં બે સગા ભાઇઓના મોત નીપજયા છે તે આઘાતજનક છે. બીઆરટીએસ કોરિડોર અકસ્માતો માટે જવાબદાર હોઇ તે તાત્કાલિક ધોરણે હટાવવા જોઇએ. દરમ્યાન અમ્યુકોના વિપક્ષના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષીએ જણાવ્યું હતુ કે, બીઆરટીએસ બસના ડ્રાઇવરોના બેફામ અને બેજવાબદારીભર્યા ડ્રાઇવીંગને લઇ છાશવારે આવા અકસ્માતો સર્જાતા રહે છે પરંતુ આજની ઘટના અત્યંત દુઃખદ અને આઘાતજનક છે. વળી, આ રૂટ પરના સીસીટીવી પણ બંધ છે, મેયરે પ્રજાના પ્રતિનધિ તરીકે હાજર નહી રહેતાં કાયર તરીકે વર્તન કર્યું છે. ખરેખર પ્રજાના પ્રશ્નો સાંભળવા મેયરે હાજર રહેવું જોઇતુ હતુ અને પોતાની નૈતિક જવાબદારીમાંથી છટકી જઇ શહેરના નાગરિકો પરત્વે મેયરે બેજવાબદારીભર્યુ વર્તન દાખવ્યું હોઇ મેયરે રાજીનામુ આપી દેવું જોઇએ. કોંગ્રેસના નેતાઓના ઉપરોકત પ્રતિનિધિમંડળ તરફથી મેયરની ગેરહાજરીમાં પૂર્વ મેયર અમિત શાહ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન અમૂલભાઇ ભટ્ટને આવેદનપત્ર સુપ્રત કરી ભોગ બનેલા બંને યુવકોના પરિવારજનોને દસ-દસ લાખ રૂપિયાનું યોગ્ય વળતર ચૂકવવા માંગણી કરાઇ હતી.
NSUI કાર્યકરો દ્વારા આજે BRTS બંધનું એલાન
બીઆરટીએસ બસની અડફેટે પાંજરાપોળ પાસે આજે બે સગા ભાઇના મોતની કરૂણાંતિકાના વિરોધમાં એનએસયુઆઇ દ્વારા આવતીકાલે શહેરમાં બીઆરટીએસ બંધનું એલાન આપવામાં આવ્યું છે. એનએસયુઆઇ દ્વારા તેના હજારો કાર્યકરોને આવતીકાલના બીઆરટીએસ બંધના એલાનમાં મોટી સંખ્યામાં જોડાવા માટે હાકલ કરવામાં આવી છે અને આવતીકાલે કોઇપણ સંજોગોમાં બીઆરટીએસ બસને શહેરના માર્ગો પર દોડવા નહી દેવા અને તેને ચક્કાજામ કરી દેવાના કાર્યક્રમો આપવા એલાન આપવામાં આવ્યું છે. દરમ્યાન સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમૂલ ભટ્ટે જણાવ્યું કે, આજની કરૂણાંતિકા ખરેખર બહુ દુઃખદ છે. અમ્યુકો સત્તાધીશો દ્વારા શો-કોઝ નોટિસ અપાઇ છે. ડ્રાઇવરની સામે ત્રણ દિવસમાં પોલીસ તપાસના આધારે કાયદાનુસાર પગલાં લેવાશે. એટલું જ નહી, ભોગ બનનાર યુવકોના પરિવારજનોને વળતર ચૂકવવાની દિશામાં પણ કાર્યવાહી કરાશે.
બે સગાભાઈ પૈકી જયેશની પત્ની દાણીલીમડા પો. સ્ટેશનમાં પીઆઈ છે
અમદાવાદ, તા.૨૧
આજે વહેલી સવારે શહેરના પાંજરાપોળ પાસે બીઆરટીએસ બસની અડફેટે બે સગા ભાઈઓ નયન રામ અને જયેશ રામના ઘટના સ્થળે જ મોત નીપજવાને પગલે શહેર સહિત રાજયભરમાં ભારે ચકચાર મચી જવાની સાથે સાથે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ છે. એક સાથે બે સગા જુવાનજોધ ભાઇઓ કાળનો કોળિયો બનતાં પરિવાર પર તો જાણે આભ તૂટી પડયુ હોય તેવો વજ્રાઘાત વાગ્યો છે. મૂળ ગીર સોમનાથના રામ પરિવારના બંને ભાઈઓ માટે ગુરૂવાર ગોઝારો સાબિત થયો હતો. મૃતક નયન રામ (ઉ.વ. ૨૬) અને જયેશ રામ (ઉ.વ. ૨૪) ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી હીરાભાઈ રામના પુત્રો હતા. આ ઉપરાંત મૃતક જયેશ રામના પત્ની દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવે છે. જ્યારે નયન રામની પત્ની હાલ પ્રેગ્નન્ટ છે અને હજુ છ દિવસ પહેલા જ તેનું સીમંત કરવામાં આવ્યું હતું. બંને ભાઈ બે દિવસ પહેલા જ અમદાવાદ આવ્યા હતા. બંને જુવાનજોધ પુત્રોના મોત અંગે જાણ થતાં હીરાભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ સમયે તેમણે જણાવ્યું કે, બંને સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળ્યા હતા. મોટો દીકરો નયન રામ આઇસીઆઇસીઆઇ બેંક(તાલાલા)માં નોકરી કરે છે, જ્યારે નાનો દીકરો જયેશ સચિવાલય (ગાંધીનગર)માં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં નોકરી કરે છે. પરંતુ નયનને અહીં ટ્રેનીંગ હોવાથી તે અહીં આવ્યો હતો. જેથી તેનો ભાઈ જયેશ રામ તેને ઓફિસે મુકવા જઈ રહ્યો હતો.
Recent Comments