(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧
આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા છે. પાર્ટી મીટિંગ, સભા કે નિવેદનો દ્વારા ભાજપ કે કોંગ્રેસ એક બીજા પર પ્રહારો કરવાની કે માછલા ધોવાની એક પણ તક જતી કરતા નથી ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે ચોકીદાર કે ભાગીદાર ! સેવા ટાઈટલ સાથે પત્રિકા બહાર પાડી છે. આ પત્રિકામાં કેન્દ્ર સરકારની ચાર વર્ષની નિષ્ફળતા અને કૌભાંડોને દર્શાવવામાં આવ્યા છે.
આ પત્રિકામાં એક તરફ ભાજપ સરકારના કૌભાંડો અને નિષ્ફળતા તો બીજી તરફ યુપીએ સરકારે લીધેલા ક્રાંતિકારી પગલાઓને દર્શાવવામાં આવ્યા છે. આમ યુપીએ અને એનડીએ સરકારના શાસનની તુલના કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના અને ગુજરાતની ભાજપ સરકારના કૌભાંડો જેવા કે મોંઘવારી, બેરોજગારી, માલ્યા-મોદીનું બેંક લૂંટ કૌભાંડ, દરેકના ખાતામાં રૂા.૧પ લાખ જમા કરાવવાનો દાવો, રાફેલ વિમાન કૌભાંડ, ગુજરાતનું ૪ હજાર કરોડનું મગફળી કૌભાંડ, નોટબંધી, જીએસટી, રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત પત્રિકામાં યુપીએ સરકારના ક્રાંતિકારી પગલાઓની વિગતો સચ્ચે દિન તરીકે દર્શાવવામાં આવી છે. જેમાં અન્ન તથા પોષણનો અધિકાર, ખેડૂતોના દેવા માફી, મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર (આરટીઈ), રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન, ફેરિયાઓ અને પાથરણા વ્યાવસાયિક હક કાનૂન, માહિતીનો અધિકાર, મહિલા સુરક્ષા કાનૂન, જવાહરલાલ નહેરૂ અર્બન રિન્યુઅલ મિશન, વન અધિકાર કાનૂન, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર અધિકાર, ભારત નિર્માણ, ભાજપી વળતર અને જમીન સંપાદનમાં પારદર્શિતાનો અધિકાર જેવા મુદ્દાઓ આવરી લેવાયા છે.
આમ લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ બરાબર લડી લેવાના મૂડમાં છે. ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં જબ્બર સફળતા મળ્યા બાદ કોંગ્રેસ હવે એકે તક જતી કરવા માગતી નથી અને ભાજપને ચોતરફથી ઘેરવાના પ્રયાસમાં લાગી ગઈ છે.