(સંવાદદાતા દ્વારા)
મોડાસા,તા.૧પ
અરવલ્લી જિલ્લા મોડાસા શહેરના વતની માજી સાંસદ સભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન ઈરશાદ બેગ મિરઝાનું દુઃખદ અવસાન થયેલ છે. છેલ્લા એકાદ મહિનાથી અમદાવાદ ખાતે સારવાર લઈ રહેલા કોંગ્રેસના આ વરિષ્ઠ આગેવાન જીવન-મરણની લડાઈમાં અંતે મોતને સરણે થયા છે. બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી એવા ઈરશાદ મિરઝા યુવાન વયે જ કોંગ્રેસમાં જોડાયા હતા અને સેવાકીય પ્રવૃત્તિઓમાં તલ્લીન થઈ ગયા હતા. ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ પદનો તાજ તરત જ તેમના સીરે નાખી સંગઠનની મોટી જવાબદારી સોંપી દેવામાં આવી હતી. ઈન્દિરા ગાંધીના જમાનામાં ઈરશાદ મિરઝાને મોડાસા વિધાનસભા મતક્ષેત્રની ટિકિટ ફાળવવામાં આવી હતી. આજે સવારે તેઓ જન્નતનશીન થયા હતા. તેઓના નિધનના સમાચારથી સમગ્ર મોડાસા શહેર સાથે રાજ્યમાં શોક વ્યાપી ગયો હતો. મર્હૂમ ઈરશાદ બેગ મિરઝા તેઓના પાછળ તેમના પત્ની સઈદા બેગ મિરઝા બે પુત્રો મોહમ્મદ નઈમ અને રિઝવાનને પોતાની લોકપ્રિયતા, સેવાકીય કાર્યો રાજકીય ક્ષેત્રની પ્રતિષ્ઠા વિરાસતમાં સોંપતા ગયા છે. વહેલી સવારથી જ મોડાસાના તેઓના નિવાસસ્થાન મિરઝા ફાર્મ પર લોકોના ટોળે-ટોળા પોતાના લોકપ્રિય નેતાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી ગયા હતા. મર્હૂમના જનાઝામાં કોંગ્રેસના રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામનબી આઝાદ, રાષ્ટ્રીય પ્રવક્તા શકીલ અહેમદ, માજી સાંસદ મધુસુદન મિસ્ત્રી, ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, રાજેન્દ્રસિંહ ઠાકોર, અનિલ જોષિયારા સાથે ગુજરાત કોંગ્રેસના આગેવાનો જગદીશ ઠાકોર, હિંમતસિંહ પટેલ, બદરૂદ્દીન શેખ સાથે જિલ્લાના અગ્રણી કોંગી કાર્યકરો નેતાઓ સાથે સામાજિક, શૈક્ષણિક, સ્વૈચ્છિક સંગઠનોના આગેવાનો, મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સાથે હિન્દુ અગ્રણીઓ પણ જોડાયા હતા.