(એજન્સી) ભોપાલ, તા. ૨
મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વવાળી મધ્યપ્રદેશની ભાજપ સરકાર માટે ખરાબ સમાચાર છે. રાજ્યના ગુપ્તચર વિભાગે રાજ્યમાં યોજાનારી વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષના વિજયની આગાહી કરી છે. મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાનને ૩૦મી ઓક્ટોબરે સુપરત કરવામાં આવેલા એક સિક્રેટ રિપોર્ટમાં ગુપ્તચર વિભાગે રાજ્યની ૨૩૦ વિધાનસભા સીટમાંથી ૧૨૮ સીટ પર કોંગ્રેસ પક્ષ શાસક ભાજપથી આગળ હોવાની આગાહી કરી છે. જ્યારે ભાજપ વિધાનસભાની ચૂંટણીઓમાં ૯૨ સીટ પર વિજય હાંસલ કરે તેવી સંભાવના છે. માયાવતીનો બહુજન સમાજ પક્ષ (બસપ) ૬ સીટ અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી (સપા) ૩ સીટ પર આગળ છે. જ્યારે ગોંદવાના ગણતંત્ર પાર્ટી (જીજીપી) એક સીટ પર આગળ હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. ગુપ્તચર વિભાગના આ અહેવાલથી ભાજપ અને શિવરાજસિંહ ચૌહાણની ઉંઘ હરામ થઇ ગઇ છે. જો ગુપ્તચર અહેવાલ મુજબ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવે તો, ભાજપને પરાજયનો સામનો કરવો પડશે અને રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનવાની સંભાવના છે. મધ્યપ્રદેશમાં ત્રણ સત્રથી ભાજપ સરકાર છે.
રિપોર્ટમાં એેવું પણ જણાવવામાં આવ્યું છે કે રૂસ્તમ સિંહ, માયા સિંહ, ગૌરીશંકર શેજવર અને સુર્ય પ્રકાશ મીણા સહિત રાજ્યના ૧૦ પ્રધાનોના ચૂંટણીઓમાં જીતવાની શક્યતા બહુ ઓછી છે. રસપ્રદ બાબત એ છે કે મુખ્ય પ્રધાન શિવરાજસિંહના બહુ જ નિકટના ગણાતા સુર્ય પ્રકાશ મીણા પાર્ટીની ટિકિટની સ્પર્ધામાંથી પાછળ ખસી ગયા છે. રાજ્યના સીએમને રિપોર્ટ સુપરત કરવામાં આવ્યાના બે દિવસ બાદ એટલે કે પહેલી નવેમ્બરે મીણાએ વિધાનસભાની ચૂંટણીઓમાં ઝંપ નહીં લાવવાની જાહેરાત કરી છે. રિપોર્ટમાં પરાજયની જેમના વિશે આગાહી કરવામાં આવી છે એવા અન્ય પ્રધાનો ટિકિટ માટે પક્ષ પર દબાણ કરી રહ્યા છે પરંતુ તેમને પડતા મુકવામાં આવે તેવી સંભાવના છે. રિપોર્ટ મુજબ કોંગ્રેસ ગ્વાલિયર-ચંબલ વિભાગમાં ૩૪માંથી ૨૪ બેઠક પર આગળ છે જ્યારે ભાજપ માત્ર ૭ સીટ પર આગળ છે. બાકીની ૩ સીટ પર બસપા આગળ છે. બુંદેલખંડમાં ભાજપ ૨૬માંથી ૧૩ બેઠક પર જ્યારે કોંગ્રેસ ૧૨ બેઠક અને સપા એક બેઠક પર આગળ છે. વિંધ્યામાં ૩૦માંથી ૧૮ પર કોંગ્રેસ, ભાજપ ૯ પર અને બસપ ૩ બેઠક પર આગળ છે. મહાકૌશલમાં કોંગ્રેસ ૩૮માંથી ૨૨ પર અને ભાજપ ૧૩ પર આગળ છે.