અમદાવાદ,તા. ૨
ગુજરાત વિધાનસભાની આગામી પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ભાજપને બધી રીતે મ્હાત આપવા કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. ખાસ કરીને કોંગ્રેસે ખેડૂતો, મહિલાઓ, વેપારી વર્ગ સહિતના વર્ગમાં પોતાની રીતે પ્રચાર-પ્રસારની વ્યૂહરચના અમલી બનાવી છે તો, રાજયના યુવા મતદારોને આકર્ષવા અને તેમના મત હાંસલ કરવા કોંગ્રેસે સૌપ્રથમવાર એનએસયુઆઇને જવાબદારી સોંપી છે. એનએસયુઆઇને ચૂંટણીલક્ષી આ મહત્વની જવાબદારી સોંપાતા તેના નેતાઓ અને આગેવાનો પણ હરકતમાં આવી ગયા છે અને પક્ષને સારૂ પરિણામ આપવા કટિબધ્ધ બન્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોલેજીયન યુવા મતદારોને આકર્ષવા કોંગ્રેસે આ અનોખી રણનીતિ અખત્યાર કરી છે. કોંગ્રેસની રણનીતિના ભાગરૂપે કોલેજીયન અને યુવા મતદારોને આકર્ષવા માટે એનએસયુઆઇ દ્વારા આવતીકાલથી અમદાવાદ શહેર સહિત રાજયભરના મુખ્ય શહેરોના શૈક્ષણિક સંસ્થાનોમાં કોંગ્રેસપક્ષનો ચૂંટણી પ્રચાર અને પ્રસાર કરાશે. કોંગ્રેસે પોતાની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇને ચૂંટણી જંગમાં ઉતારી ભાજપને ઝટકો આપી દીધો છે. એનએસયુઆઇના નેતાઓ અને આગેવાનો શહેર સહિત રાજયભરમાં કોલેજોની સંખ્યા, વિદ્યાર્થીઓની સુવિધા, તેમની અગવડો-મુશ્કેલીઓ, ફી સહિતના મુદ્દાઓને લઇ પક્ષનો અસરકારક પ્રચાર કરશે અને ભાજપ સરકારને ખુલ્લી પાડશે. એનએસયુઆઇના નેતાઓ અને અગ્રણીઓ ખાસ કરીને અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેરોમાં મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરશે અને આ શહેરોની શૈક્ષણિક સંસ્થાઓ-કોલેજોમાં યુવા મતદારોને રૂબરૂ મળી તેઓને શિક્ષણક્ષેત્રે ભાજપ સરકારની નિષ્ફળતાઓથી પરિચિત કરાવી કોંગ્રેસનું શાસન લાવી સસ્તુ, સુવિધાયુકત અને અસરકારક શિક્ષણની ખાતરી આપશે. એનએસયુઆઇ આવતીકાલથી સતત આઠ દિવસ સુધી અમદાવાદ સહિતના મુખ્ય શહેરોની શૈક્ષણિક સંસ્થાઓમાં કોંગ્રેસપક્ષનું ચૂંટણીલક્ષી પ્રચાર અભિયાન ચલાવશે.