(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
ઘણા દિવસોની મંત્રણાઓ બાદ આગામી લોકસભા ચૂંટણીઓ માટે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે બુધવારે ગઠબંધન કર્યું છે. જમ્મુ-કાશ્મીરમાં પાંચ તબક્કામાં મતદાન થશે જેમાં ૧૧, ૧૮, ૨૩, ૨૯ એપ્રિલ અને ૬ મેનો સમાવેશ થાય છે. ગઠબંધનની જાહેરાત કરતા નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાહે કહ્યું કે, કોંગ્રેસ જમ્મુ અને ઉધમપુરમાંથી ચૂંટણી લડશે જ્યારે નેશનલ કોન્ફરન્સ શ્રીનગરમાંથી ચૂંટણી લડશે. મીડિયાને આપેલા સંયુક્ત નિવેદનમાં કોંગ્રેસના સિનિયર નેતા ગુલામનબી આઝાદ અને એનસીના વડા ફારૂક અબ્દુલ્લાહે કહ્યું કે, અનંતનાગ અને બારામુલ્લા બેઠક પર બંને પાર્ટી વચ્ચે મૈત્રીભરી ચૂંટણી લડાશે. નેશનલ કોન્ફરન્સના નેતાએ કહ્યું કે, લદાખ બેઠક અંગે બંને પાર્ટીઓ ચર્ચા કરી રહી છે.
ગુલામનબી આઝાદે કહ્યું કે, અનંતનાગ અને બારામુલ્લા બેઠક પર કોંગ્રેસ અને એનસી વચ્ચે કોઇ ગળાકાપ સ્પર્ધા નહીં થાય. મૈત્રિપૂર્ણ હરિફાઇ એટલે અનંતનાગ અને બારામુલ્લામાં અમારી બંને વચ્ચે કોઇ ગળાકાપ સ્પર્ધા નહીં થાય. જો કોંગ્રેસ કે એનસી જીતશે તો અમારા બને માટે જીતની ઉજવણીની સ્થિતિ હશે. આઝાદે સાથે જ કહ્યું કે, આ ગઠબંધન રાષ્ટ્રહિતમાં કરાયું છે અને રાજ્ય જ્યારે પાકિસ્તાનના ભયનો સામનો કરી રહ્યું છે ત્યારે જમ્મુ-કાશ્મીરમાં અમે ધર્મનિરપેક્ષ પક્ષોની શક્તિ વધારીશું. તેમણે કહ્યું કે, રાષ્ટ્રહિતમાં શ્રેષ્ઠ નિર્ણય લેવાયો છે. જીવો અને જીવવા દો. આઝાદે કહ્યું કે, ગઠબંધન ધર્મનિરપેક્ષ દળોના ભાગલા ના પડે તે માટે છે અને ભાજપને ફાયદો ના મળે. તેમણે કહ્યું કે, ફારૂક અબ્દુલ્લાહ માટે તમામ કોંગ્રેસના નેતાઓ પ્રચાર કરશે જેઓ શ્રીનગર સંસદીય બેઠક પર સંયુક્ત ઉમેદવાર છે અને હાલ પણ તેઓ અહીંથી સાંસદ છે. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓમાં પણ બંને પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડી હતી પરંતુ એક પણ બેઠક મળી ન હતી. જ્યારે ભાજપે જમ્મુ અને તથા લદાખ તથા પીડીપીએ કાશ્મીરની ત્રણેય બેઠકો જીતી હતી.