(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
કોંગ્રેસ અને એનસીપીના વરિષ્ઠ નેતાઓએ દિલ્હીમાં યોજાયેલી બેઠક બાદ જાહેરાત કરી હતી કે તેઓ શિવસેના સાથે મળીને સરકાર બનાવશે. કોંગ્રેસના શિવરાજસિંહ ચવાણ અને એનસીપીના નવાબ મલિકે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી દરમિયાન એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે બેઠક યોજ્યા બાદ આખરે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેના સાથે ગઠબંધન કરવા તૈયાર થઈ ગયા છે. ખુદ એનસીપીના સૂત્રોએ આ બાબતની પુષ્ટી કરી છે. ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીએ આજે એનસીપી પ્રમુખ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ જ સોનિયા ગાંધી રાજી થયા હોવાનું કહેવાય છે. આજે બુધવારે સાંજે દિલ્હીમાં કોંગ્રેસની બેઠક યોજાઇ હતી. ચૂંટણી પરિણામો સામે આવ્યા બાદથી જ મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો આખો મામલો અધ્ધરતાલ છે. ભાજપ અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી પણ મુખ્યમંત્રી પદને લઈને ઊભી થયેલી ખેંચતાણ વચ્ચે બંને પાર્ટીઓ વચ્ચેનું ગઠબંધન તૂટી ગયું. શિવસેનાએ ૩૦ વર્ષ જૂના સાથી ભાજપનો સાથ છોડી કટ્ટર વિરોધી કોંગ્રેસ-એનસીપીની સાથે જઈ બેસી ગયું હતું. જોકે એનસીપી અને કોંગેસે અત્યાર સુધી પોતાના પત્તા ખોલ્યા નહોતા. બંને વચ્ચે બેઠકોનો ધધમાટ ચાલી રહ્યો છે. જ્યારે શિવસેનાએ ઉતાવળમાં આવીને ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. પરંતુ આ ઘટનાક્રમ વચ્ચે એનસીપી ચીફ શરદ પવાર વધુ એકવાર કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને મળ્યાં હતાં.
શરદ પવારને મળ્યા પહેલા કોંગ્રેસ શિવસેનાને સમર્થન આપવાને લઈને રાજી થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે બંને વચ્ચે શું ફોર્મ્યુલા રચાઈ તેને લઈને કોઈ જ સ્પષ્ટતા થઈ શકી નથી. તો શિવસેનાને સમર્થન આપવાના બદલામાં કોંગ્રેસ તરફથી શું માંગણી કરવામાં આવી તેને લઈને પણ કોઈ સ્પષ્ટ વાત સામે આવી શકી નથી.
પણ હવે પરિણામ આવ્યાના ૨૮ દિવસ અને રાષ્ટ્રપતિ શાસન લદાયાના દસેક દિવસ બાદ મહારાષ્ટ્રમાં ટેકાવાળી સરકાર રચાય તેવું ચિત્ર સ્પષ્ટ થતું નજરે પડી રહ્યું છે. સોનિયા ગાંધીએ શિવસેના સાથે સરકાર રચવાને લઈને લીલી ઝંડી આપી દીધી હોવાનું સામે આવ્યું છે.