(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૯
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ હવે આવતીકાલથી કોંગ્રેસની ત્રણ દિવસની ચિંતન શિબિર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કચેરી ખાતે મળવા જઇ રહી છે. તા.૨૦થી ૨૨ ડિસેમ્બર સુધી એમ ત્રણ દિવસની આ ચિંતન શિબિરમાં આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારના કારણો અને ફેકટરની સમિક્ષા અને મનોમંથન કરવામાં આવશે. ચિંતન શિબિરમાં કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, હારી ગયેલા સિનિયર નેતાઓ શકિતસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા સહિતના પદાધિકારીઓ અને આગેવાનો હાજર રહેશે. તો, તા.૨૨મી ડિસેમ્બરે ચિંતન શિબિરના છેલ્લા દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ તેમાં ભાગ લેવા આવે તેવી શકયતા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં સત્તાનું શાસન જમાવીને બેઠેલી ભાજપ ફરી એક વખત માંડ માંડ પોતાની સત્તા બચાવવામાં સફળ થઇ ગઇ, જેની સામે કોંગ્રેસ આ વખતે તેની તરફેણનું વાતાવરણ હોવાછતાં અને હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર એ ત્રણેય આંદોલનકારી યુવા નેતાઓનો સાથ અને પીઠબળ મળવા છતાં સત્તા સુધી પહોંચવામાં નિષ્ફળ રહી. અલબત્ત, કોંગ્રેસ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે જોરદાર રીતે અને મર્દાનગીથી લડયું હતું. તેમ છતાં થોડીક કાચી પડી, જેના કારણે ભાજપને સરકાર રચવા માટે જરૂરી ૯૨ ધારાસભ્યોના લક્ષ્યાંક કરતાં સાત બેઠકો વધુ મળતાં કોંગ્રેસના સત્તામાં આવવાના અને સરકાર રચવાના મનસૂબાઓ પર પાણી ફરી વળ્યું. ગુજરાતમાં એવુ પહેલીવાર બન્યું હશે કે જયારે સત્તાધારી ભાજપ સામે લોકોમાં ખુલ્લો અને ઉગ્ર આક્રોશ હોવા છતાં આ તમામ તરફેણવાળા સંજોગોનો ફાયદો કોંગ્રેસ કેમ ઉઠાવી ના શકી? અને જીતની નજીક આવીને હારી ગઇ તે ગંભીર મુદ્દો પણ શિબિરમાં ચર્ચાશે. જેથી હવે કયા કારણોથી આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઇ છે, કોંગ્રેસની નેતાગીરી કે સંગઠન કયાં ઉણા ઉતર્યા તે સહિતના પ્રશ્નોનો જવાબ શોધવા આવતીકાલથી ત્રણ દિવસ માટે કોંગ્રેસની ચિંતન શિબિર યોજાવા જઇ રહી છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને રાષ્ટ્રીય નેતાઓ સ્થાનિક નેતાઓ અને જિલ્લાના પદાધિકારીઓ પાસેથી હારના કારણોનું ફીડબેક મેળવશે અને તેની પર મનોમંથન કરશે. તા.૨૨મી ડિસેમ્બરે છેલ્લા દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ચિંતન શિબિરમાં આવે તેવી શકયતા છે.