અમદાવાદ, તા.૨૪
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસના ઉમેદવારોની અધિકૃત અને સત્તાવાર યાદી જાહેર થાય તે પહેલાં કોંગ્રેસના લેટરપેડ પર ઉમેદવારોની બોગસ યાદી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી ફરતી કરવાના પ્રકરણમાં ચૂંટણી પંચ દ્વારા આખરે શહેર ક્રાઇમબ્રાંચના સાયબર સેલને તપાસ સોંપવામાં આવી છે. સાયબર સેલને તપાસ સોંપાતા કોંગ્રેસની ચૂંટણી સમિતિના અધ્યક્ષ બાલુભાઇ પટેલે કોંગ્રેસના વકીલો સાથે આજે સાંજે સાયબર સેલ પહોંચ્યા હતા અને વિગતવાર રજૂઆત કરી હતી. ક્રાઇમબ્રાંચના સાયબર સેલે પણ આ સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ સઘન અને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. કોંગ્રેસની ચૂંટણી સમિતિના અધ્યક્ષ બાલુભાઇ પટેલે લીગલ સેલના કન્વીનર અને ગુજરાત હાઇકોર્ટના એડવોક્ેટ નિકુંજ બલ્લર મારફતે ચૂંટણી પંચ અને શહેર પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ કરી રજૂઆત કરી હતી કે, ગઇકાલે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની સત્તાવાર કે અધિકૃત યાદી જાહેર થાય તે પહેલાં જ કોંગ્રેસના લેટરપેડ પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની બોગસ સહી સાથે ઉમેદવારોની બોગસ યાદી સોશ્યલ મીડિયામાં ફરતી કરી દેવાઇ હતી. પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે અને રાજયના નિર્દોષ નાગરિકો તેમ જ મતદારોને ગેરમાર્ગે દોરવાના બદઇરાદાથી કોંગ્રેસના ઉમેદવારોની આ બોગસ યાદી ફરતી કરવામાં આવી હતી. લીગલ સેલના કન્વીનર નિકુંજ બલ્લરે માંગણી કરી હતી કે, એક તો કોંગ્રેસપક્ષના લેટરપેડનો ખોટો દૂરપયોગ થયો છે, બીજુ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની બોગસ અને બનાવટી સહી કરવામાં આવી છે કે જે દેખીતી રીતે જ ખબર પડી જાય છે કે, બોગસ સહી છે કારણ કે, આ સહી ભરતસિંહ સોલંકીની અસલ સહીથી અલગ તરી આવે છે. આમ, ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરી રાજયના લાખો નિર્દોષ મતદારોને ગેરમાર્ગે દોરવા, ભ્રમિત કરવા અને કોંગ્રેસ તરફી લોકજુવાળમાંથી અન્યત્ર વાળવાના બદઇરાદા સાથે કોંગ્રેસના ઉમેદવારોની આ બોગસ યાદી ફરતી કરાઇ છે. આ ખૂબ જ ગંભીર મામલો છે અને તેથી સમગ્ર પ્રકરણમાં જે કોઇ કસૂરવારો હોય તેઓની સામે તાત્કાલિક પગલા લેવામાં આવે અને તેઓની વિરૂદ્ધ કાયદાનુસાર કાર્યવાહી કરવામાં આવે.