પાવીજેતપુર,તા.૧ર
પાવીજેતપુરની જાહેરસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત સરકારની વિકાસ ગાથા રજૂ કરી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને વેધક સવાલો કરી કોંગ્રેસને ચાબખા માર્યા હતા.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે પ્રથમ ચરણમાં ભારે મતદાન થયું છે જેમાં ભાજપા, મોદીના નામે જ મત મળ્યા છે એમ કહી વધુમાં બોલતા જણાવ્યું હતું કે કોંગ્રેસને હાર નિશ્ચિત દેખાય છે તો હારનું ઠોકરૂ કોના માથે ફોડવું ? રાહુલ બાબાને બચાવવા ઈવીએમ મશીનોમાં ગરબડની વાતો કરે છે. ગમે તે બટન દબાવો છો તો કમળને જ મત જાય છે.
કોંગ્રેસ ઉપર ટીખળ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને મોદીના નામથી અડધી રાત્રે ઉંઘ ઉડી જતી હતી હવે વિકાસના નામથી ઉંઘ ઉડી જાય છે ગરીબના ઘરમાં લાકડાના ધુમાડા બંધ થયા છે અને ગુજરાતમાં ૧૬ લાખ પરિવારોને ગેસના બોટલો આપ્યા છે. ગરીબના ઘરે શૌચાલયો બનાવી ગરીબને ઈજજત આપી છે. ગરીબોના જીવલેણ રોગ માટે ર લાખ સુધીની સહાય માટે અમૃતકાર્ડ, બે ટંકનો ખાડો પુરવા અંત્યોદય કાર્ડ, આપ્યા છે.
આદિવાસી સમાજ માટે રાજય સરકારે પેસા એકટ હેઠળ આદિવાસીઓના જંગલનું રક્ષણ કર્યું વન પેદાશોના પૈસા સીધા આદિવાસીના ખાતામાં જમા થાય તેવું આયોજન કર્યું છે ખેડે એની જમીન અને આ જમીનોની સનદ વિતરણ મોટાપાયે ચાલી રહી છે. આદિવાસી વિસ્તારો માટે મેડિકલ કોલેજો ફાળવી દીધી છે જે આવતા વર્ષે ચાલુ થઈ જશે.
રાહુલ બાબાને આડે હાથ લેતા જણાવ્યું હતું કે ચૂંટણીથી એક ચમત્કાર થયો છે કે રાહુલ બાબા મંદિરે-મદિરે ફરતા થઈ ગયા છે. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે હિન્દુ કદી આતંકવાદી હોતો નથી.
કોંગ્રેસના ડી.એન.એ.માં જ જુઠાણા છે રાહુલ ગાંધીની ૧૬૦૦૦ સરકારી સ્કૂલો બંધ થયાના આંકડાથી નવાઈ લાગે છે ર૦૦૦ સુધી પ્રાથમિકથી હાયર સુધી ૪૧૦૦૦ શાળાઓ હતી. જે ર૦૧૭માં પ૭૦૦૦ શાળાઓ થઈ છે તો ૧૬૦૦૦ શાળાઓ વધી કે ઘટી ? આવો વેધક સવાલ રાહુલ ગાંધીને કર્યો હતો અને નર્મદાનું પાણી ઉદ્યોગપતિઓને આપે છે તેના જવાબમાં રૂપાણીએ જણાવ્યું હતું કે ૯ હજાર ગામડા, ૧૬૭ હજાર શહેરોને ૭૮ ટકા પીવાનું પાણી આપવામાં આવે છે. બાકી વધુ રર ટકામાંથી ર૦ ટકા પાણી ખેતી માટે અને ર જ ટકા પાણી ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે. ર૦૦૧માં ગોધરાના તોફાનો પછી કોઈ કોમી તોફાનો થયા નથી. જગન્નાથ યાત્રા તથા મોહર્રમમાં તાજિયાના જુલૂસ શાંતિપૂર્ણ માહોલમાં નીકળે છે એકબીજા મળીને તહેવારો ૬.પ કરોડની ગુજરાતની જનતા ઉજવે છે રપ વર્ષ સુધી કોંગ્રેસની હેસિયત જ નથી કે તે નરેન્દ્ર મોદીને હરાવી શકે. ૧પ૦થી વધુ બેઠકો મેળવી ભાજપાની સરકાર બનવાની છે ત્યારે કમળને મત આપી વિજય બનાવવા જનતાને હાકલ કરી હતી.