(એજન્સી) ભોપાલ, તા.૭
મધ્ય પ્રદેશમાં આ વર્ષે જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા નગરપાલિકા અને નગર પંચાયતની પેટાચૂંટણી થઈ હતી. સ્થાનિક ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપની હાર થઈ હતી અને કૉંગ્રેસની શાનદાર જીત થઈ હતી. કૉંગ્રેસની ૧૨માંથી ૯ કોર્પોરેટરોની જીત થઈ છે. પ્રદેશના ૧૧ જિલ્લામાં નગરપાલિકાના ૧૨ વોર્ડની પેટાચૂંટણી યોજાઈ હતી.
આ પહેલા હોશંગાબાદ જિલ્લાના પંચમઢી કોન્ટોનમેન્ટ બોર્ડમાં થયેલી ચૂંટણીના પરિણામ પણ કૉંગ્રેસના પક્ષમાં રહ્યા હતા. પાર્ટીએ સાતમાંથી છ બેઠકો પર જીત મેળવી હતી. પાર્ટી માટે નાની-નાની જીત ખૂબ મહત્વ ધરાવે છે, કારણે કૉંગ્રેસ રાજ્યમાં ૨૦૦૩થી સત્તા મેળવવાના સપના જોઈ રહી છે. સ્થાનિક ચૂંટણીમાં કૉંગ્રેસની જીતથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં જીતની આશા વધારે ગાઢ થશે.
બીજી તરફ સતત પેટાચૂંટણીમાં હારનો સામનો કરતા ભાજપ માટે ચિંતાનો વિષય છે કારણ કે માત્ર વિધાનસભા નહી પરંતુ લોકસભાની રીતે પણ મધ્ય પ્રદેશ મોટુ રાજ્ય છે. રાજ્ય પર ખૂબ લાંબા સમયથી પાર્ટીની પકડ રહી છે.