(સંવાદદાતા દ્વારા)અમદાવાદ, તા. ૨૦
કેન્દ્રીય મંત્રી અને ગુજરાત વિધાનસભા ચૂંટણીના ચૂંટણી પ્રભારી અરુણ જેટલીએ ભાજપ મિડિયા સેન્ટર ખાતે પત્રકાર મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આજે ભાજપના ૪૮ ઉમેદવારોએ પોતાની ઉમેદવારીપત્રો રજૂ કર્યા છે. આજે જે ઉત્સાહ અને ઉમંગના વાતાવરણમાં ઉમેદવારીપત્રકો ભરાયા છે ત્યારે એવો દ્રઢ વિશ્વાસ થઇ ગયો છે કે ભાજપ આ વખતે ગુજરાતમાં એક ઐતિહાસિક વિજય મેળવશે. જેટલીએ વધુમાં જણાવ્યું હતુ ંકે, આજ સુધી વિશ્વમાં એવું ક્યારેય બન્યું નથી કે કોઇ પાર્ટીએ વિકાસનો વિરોધ કરી મજાક કરી હોય. કોંગ્રેસની નીતિઓ અને અભિયાન હંમેશા વિકાસ વિરોધી જ રહ્યા છે. ભાજપે ૨૨ વર્ષ સુધી સુશાસન કર્યું છે અને આવનારા વર્ષમાં પણ આ વિકાસની યાત્રાને અવિરતપણે આગળ વધારશે. કોંગ્રેસે સામાજિક આધાર પર સોશિયલ ડિવાઇડ અને રુલ્સની નીતિ અપનાવીને ચૂંટણી લડવાનો એક નિષ્ફળ પ્રયાસ કર્યો છે જે ગુજરાતની જનતા સમક્ષ ખુલ્લુ પડી ગયું છે. ગુજરાત એક પ્રગતિશીલ પ્રદેશ છે, આ પ્રકારની નકારાત્મક રાજનીતિ ક્યારેય સ્વીકારાશે નહીં. કોંગ્રેસે પહેલા પણ ૮૦ના દાયકામાં આવા વર્ગ વિગ્રહ અને સામાજિક ભાગલાનો પ્રયાસ કર્યો હતો પણ ગુજરાતની શાણી સમજુ પ્રજાએ આવી કોંગ્રેસને ગુજરાતમાં સતત બે દાયકાથી સત્તાવિહોણી રાખી છે. ભાજપ વિકાસ અને સ્થિરતાનું પ્રતિક છે, જ્યારે કોંગ્રેસ એ અરાજકતાનું પ્રતિક છે. કોંગ્રેસના ચૂંટણી પ્રચારની શરૂઆત પણ અરાજકતાથી થઇ છે અને કોંગ્રેસ સંપૂર્ણરીતે અને ચોક્કસથી આમાં નિષ્ફળ રહેશે તેવો વિશ્વાસ જેટલીએ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે ભૂતકાળમાં સંસદનું શિયાળુ સત્ર પોતાની સગવડોના આધારે નક્કી કર્યું હતું. ૨૦૦૭ અને ૨૦૧૨ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપના કેન્દ્રીય નેતાઓ પ્રચાર કરવા ન જઇ શકે તે માટે ચૂંટણીના સમયે જ શિયાળુ સત્રની તારીખો ગોઠવી હતી. કોંગ્રેસે હંમેશા ગુજરાત અને ભાજપને અન્યાય જ કર્યો છે તેનો વધુ એક દાખલો આજે આપના માધ્યમથી પ્રજા સમક્ષ મુકવા માંગીએ છીએ. કોંગ્રેસની માનસિકાત હંમેશા ગુજરાત અને ભાજપ વિરોધી રહી છે. જેટલીએ વધુમાં જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલે લોકહિત માટે ખુબ જ સારા નિર્ણય કર્યા છે અને ભવિષ્યમાં પણ તે અંગે નિર્ણયો કરવા કટિબદ્ધ છે. જેટલીએ સ્પષ્ટતાપૂર્વક કહ્યું હતુંકે, સુપ્રીમ કોર્ટે હમણા જ હુકમ કર્યો છે કે ૫૦ ટકાથી વધુ અનામત કોઇપણ સંજોગોમાં આપી શકાય નહીં. ભારતીય જનતા પાર્ટીએ પ્રજાજનોને ક્યારેય ગેરમાર્ગે દોર્યા નથી. જે લોકો અનામત સંબંધે નિવેદનો કરે છે તેઓ પોતાની જાતને છેતરી રહ્યા છે અથવા તો જનતાને છેતરી રહ્યા છે. માત્રને માત્ર ચૂંટણીલક્ષી એજન્ડા ન કરી સાચી હકીકત જનતા સમક્ષ મુકવી જોઇએ.