(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧
જસદણની પેટાચૂંટણીમાં કોંગ્રેેસના અવસર નાકિયાને પછાડી જીત હાંસલ કરનાર કુંવરજી બાવળિયાએ આજરોજ બપોરે ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથ ગ્રહણ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ બાદ કુંવરજી બાવળિયાએ દાવો કર્યો હતો કે, કોંગ્રેસની નારાજ કેટલાક ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને ર૦૧૯ની ચૂંટણીમાં તેઓ કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે. આ નિવેદનથી કોંગ્રેસના આગેવાનોની ઊંધ હરામ કરી નાખી છે.
જો કે, કુંવરજી બાવળિયાના આ દાવા સામે પલટવાર કરતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ પોતાનું ઘર સાચવે ઉલટાનુું ભાજપની રીતિનીતિથી નારાજ ભાજપના જ કેટલાક ધારાસભ્યો અને આગેવાનો સતત કોંગ્રેસના સંપર્કમાં છે અને આગામી દિવસોમાં તેઓ કોંગ્રેસમાં જોડાઈ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જસદણની પેટાચૂંટણીમાં કુંવરજી બાવળિયાના વિજયથી ભાજપમાં તેમના કદમાં વધારો થયો છે. દરમિયાન ભાજપના મોવડી મંડળે તેમને દિલ્હી બોલાવ્યા હતા.
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દિલ્હી ગયા હતા. તેમજ ભાજપના ટોચના નેતાઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસના કેટલાક નેતાઓ પોતાના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો. જેથી ગુજરાતના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સુરત, જૂનાગઢ અને રાજકોટમાં કોંગ્રેસમાં જૂથબંધી ચરમસીમા પર પહોંચી છે. ત્યારે કુંવરજી બાવળિયાના નિવેદનથી કોંગ્રેસના નેતાઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. કુંવરજીના આ દાવા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપના અનેક નારાજ નેતાઓ કોંગ્રેસના સંપર્કમાં છે. ભાજપના અનેક નેતા, ધારાસભ્યો, સંગઠનના સભ્યો ભાજપની રીતિનીતિથી નારાજ છે. ભાજપની કાર્યપદ્ધતિથી નારાજ આ નેતાઓ આગામી દિવસોમાં કોંગ્રેસમાં જોડાઈને વધુ મજબૂતી બનાવશે. કોંગ્રેસમાં કોઈ જૂથબંધી નથી અને તમામ ખભેખભા મેળવી લોકસભાની ચૂંટણી જીતવા મહેનત કરીશું.