(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
કોંગ્રેસે મંગળવારે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કાશ્મીરમાં સેનાના સ્પેશિયલ પાવરને ઘટાવાનો વાયદો કર્યો છે. ઢંઢેરો જાહેર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કાશ્મીરના મુદ્દાને ઉકેલવા માટે આગળ વધવાનો મંત્રણા જ એક માર્ગ છે. તેમણે કહ્યું કે કાશ્મીરના ત્રણ પ્રાંતોના લોકોની ઇચ્છાઓને સમજવનો માર્ગ માત્ર મંત્રણા જ છે. અમે આ માર્ગ અપનાવીશું. જમ્મુ-કાશ્મીરના પ્રાદેશિક કાયદા અને સશસ્ત્ર દળોના ખાસ પાવરના કાયદાની સમીક્ષા કરાશે. જમ્મુ-કાશ્મીરમા જરૂરી સુરક્ષા અને માનવ અધિકારોના રક્ષણના જરૂરી સંયોજન માટે કાયદા અનુસાર યોગ્ય ફેરફાર કરવામાં આવશે. આવી મંત્રણાઓને આગળ વધારવા માટે સભ્ય સમાજમાંથી ત્રણ મંત્રણાકાર નિમવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ૨૬ ઓક્ટોબર ૧૯૪૭થી થયેલા કરારથી જમ્મુ-કાશ્મીરમાં વિકાસની કોંગ્રેસ સાક્ષી પુરે છે. કોંગ્રેસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, જ્મ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. અમે જાણીએ છીએ કે, હાલ રાજ્યમાં ધારા ૩૭૦ને કાઢી નાખવાના પ્રયાસ થતા લોકોમાં દહેશત છે. કોંગ્રેસ આ બંધારણીય સ્થિતિમાં કોઇ ફેરફાર નહીં કરે અને કોઇને આવું કરવાની પરવાનગી પણ નહીં આપે.