(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૧
રાજ્યના બેરોજગારો અને ખેડૂતોને સહાય મુદ્દે વિરોધ પક્ષ કોંગ્રેસે આજે વિધાનસભા ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો. ગૃહમાં પ્રથમ બેરોજગારોનો પ્રશ્ન ઉઠાવતા તેમાં સરકાર તરફથી યોગ્ય જવાબ આપવાને બદલે ગોળગોળ વાત કરતાં કોંગ્રેસે વિરોધ દર્શાવી સૂત્રોચ્ચારો કર્યા હતા. એક તબક્કે ભાજપના ધારાસભ્યે બેરોજગાર માટે નમાલા શબ્દ પ્રયોગ કરતાં કોંગી ધારાસભ્યો તેનો વાંધો ઉઠાવી બોલતાં જતાં ભાજપના ધારાસભ્યોએ ઊભા થઈ હોહા કરી મૂકી હતી તો ખેડૂતોને સહાયના પ્રશ્નની ચર્ચા વખતે પણ ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો ઊભા થઈ સામ-સામા આક્ષેપો કરતાં ગૃહમાં ભારે હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસના સભ્યો વેલમાં ઘસી આવતા અધ્યક્ષે બહાર જવાનું અને સસ્પેન્ડ કરવાની ચીમકી આપતાં તેઓએ વોકઆઉટ કર્યો હતો. વિધાનસભાના વર્તમાન સત્રનો આજનો અંતિમ દિવસ ગરમ રહ્યો હતો. વિપક્ષ કોંગ્રેસ અને ભાજપ બન્ને એકબીજા સામે આક્ષેપો કરવા સાથે ગૃહમાં બે-બે વખત હોબાળો મચાવ્યો હતો. અમદાવાદ જિલ્લાના શિક્ષિત બેરોજગારોના કોંગી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના પ્રશ્નની ચર્ચા વખતે સરકાર તરફથી યોગ્ય જવાબ ન મળતાં કોંગ્રેસના સભ્યોએ ભારે સૂત્રોચ્ચારો કરી હોબાળો મચાવ્યો હતો. અમદાવાદમાં ૪૪,૩૮૪ બેરોજગારો રોજગાર કચેરીએ નોંધાયેલા છે અને તેમને રોજગાર હજુ સુધી મળ્યો નથી તેવો જવાબ સરકારના મંત્રીએ આપેલ છે. આ સાથે સરકારી નોકરી છેલ્લા બે વર્ષમાં માત્ર ૧૭૧ને મળી અને ખાનગી ક્ષેત્રે ૯૩,ર૯૪ યુવાનોને રોજગારી મળી હોવાના સરકારના જવાબ સામે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, દેશમાં સૌથી વધુ બેરોજગારીનો દર ગુજરાતનો હોવાનું તમારી કેન્દ્ર સરકારના આંકડા કહે છે ત્યારે આ ૯૩,ર૯૪ યુવાનોએ જે ખાનગી ક્ષેત્રે રોજગારી અપાઈ છે તો તેનું નામ, નંબર તથા કઈ જગ્યાએ નોકરી મળી તેનું લિસ્ટ આપવા માંગો છો કે કેમ તેવા પ્રશ્નનો જવાબ ના આપી આક્ષેપબાજી થતાં હોબાળો થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડવાલાએ અન્ય રાજ્યોની જેમ આપણા યુવાનોને રૂા.બે હજાર બેકારી ભથ્થું આપવા માંગો છો તેમ પૂછતા તેના જવાબમાં ભાજપ તરફથી બેરોજગારો માટે નમાલા શબ્દનો પ્રયોગ કરી ભથ્થું આપી બેરોજગારોને નમાલા બનાવવા માંગતા નથી તેમ કહેતા કોંગી સભ્યે વાંધો ઉઠાવ્યો પરંતુ હોહા વચ્ચે તે ધ્યાને લેવાયો નહીં ફરી બન્ને પક્ષોએ ભારે હોબળાો મચાવ્યો છે. જ્યારે ખેડૂતોને સહાય અંગેના પ્રશ્નની ચર્ચા વખતે પણ કોંગ્રેસ તરફથી ધારાસભ્યોએ પ્રશ્નો કરતાં મંત્રીઓ દ્વારા લાંબા અને ગોળ-ગોળ જવાબો આપતાં તેના વિરોધમાં કોંગ્રેસના સભ્યોએ ઊભા થઈ ભારે સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવી દીધો હતો. આ સમયે પણ ભાજપ-કોંગ્રેસ સામ-સામે આવી જઈ આક્ષેપો-સૂત્રોચ્ચાર કરતાં ગૃહમાં ભારે દેકારો મચી ગયો હતો. કોંગ્રેસનો મુદ્દો એ હતો કે, સરકાર એસડીઆરએફના નોર્મ્સ પ્રમાણે સહાય આપવાનું કહે છે તો પછી મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલ રૂા.૩૭૦૦ કરોડના સહાય પેકેજમાંથી પણ તેમને સહાય અપાશે કે કેમ ? તેનો સ્પષ્ટ જવાબ આપવાને બદલે સરકાર તરફથી વળતા આક્ષેપો અને ગોળ-ગોળ વાતો કરાતા હોબાળો થયો હતો. આ સમયે અધ્યક્ષે વેલમાં ધસી આવેલા કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવાની ચીમકી આપતાં તેઓ વોકઆઉટ કરી ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા.