(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૦
રાજ્યમાં દુષ્કર્મના બનાવ બાદ પરપ્રાંતિયો પરના હુમલાઓના કારણે હજારો પરપ્રાંતિયો દ્વારા ગુજરાત છોડી વતન રવાના થવાને લીધે ઉદ્યોગ-કારખાનાઓ પર તેની અસર થતાં આ સમગ્ર મુદ્દે વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવી પરપ્રાંતિયોને પૂરતુ રક્ષણ આપવાની માંગ કરવા સાથે તેમાં સરકારને આડેહાથ લેતાં પ્રહારો કર્યા હતા કે, સ્થાનિકોને રોજગાર અને સરકારની નિષ્ફળતા છૂપાવવા મળતિયાઓ મારફત પરપ્રાંતનું ઝેર કોંગ્રેસના નામે ઉઘારવાનો પ્રયાસ ન કરવો જોઈએ.
વિપક્ષના નેતાએ મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે, બહારના રોજી-રોટી મેળવવા આવેલા લાખો મજૂરો પોતાના વતન જતા રહેવાને કારણે રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગો, કારખાનાઓ અને ફેક્ટરીઓ બંધ કરવાની નોબત આવી છે. આવી પરિસ્થિતિને કારણે રાજ્યમાં બેરોજગારી વકરશે અને નાના અને મધ્યમ ઉદ્યોગોનો કચ્ચરઘાણ નીકળી જશે. એક બાજુ રાજ્ય સરકાર રાજ્ય અને દેશ બહારના મોટા ઉદ્યોગોને રાજ્યમાં લાવવા સારૂ લાલ જાજમ પાથરીને વાયબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટેમન્ટ સમીટના નામે તાયફાઓ કરીને કરોડો રૂપિયાના ખર્ચાઓ સરકારની તિજોરીમાંથી કરી રહી છે અને બીજી બાજુ રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગોને સરકાર દ્વારા રક્ષણ ન મળતાં અન્ય રાજ્યોમાંથી મજૂરી કરવા આવતા નાગરિકો વતન તરફ પલાયન થતાં બંધ કરવાની નોબત આવી છે.
ટાટા સહિતના મોટા ઉદ્યોગપતિઓની ચિંતા કરવાને બદલે કાપડ, હીરા, ડીઝલ, એન્જિન, સિરામિક, અલંગ શીપબ્રેકીંગ વગેરે જેવા નાના-મધ્યમ ઉદ્યોગોની ચિંતા કરીને ફેક્ટરીઓ અને કારખાનાઓને બંધ થતાં અટકાવવા જોઈએ. ઢુંઢર ઘટનામાં દોષિત ઉદાહરણરૂપ આકરામાં આકરી સજા થાય તે માટે રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લઈ રાજ્યમાં નાના-મધ્યમ ઉદ્યોગો-કારખાનાઓ પરપ્રાંતિયોના પલાયનવાદના કારણે બંધ થતાં અટકાવવા જોઈએ અને તેમને રક્ષણ પુરૂં પાડવું જોઈએ. ગુજરાતીઓ ઉપર આફત ઊભી થતી અટકાવવા જરૂરી પગલાં લેવા જોઈએ. પરપ્રાંતિયોના પલાયનવાદમાં કોંગ્રેસ પક્ષનો કોઈ હાથ નથી તેમ જણાવતાં તેમણે ઉમેર્યું કે, ગુજરાત અને ગુજરાતીઓના હિતની બાબતોમાં કોંગ્રેસ પક્ષ ક્યારેય બાધારૂપ બન્યું નથી અને બનશે પણ નહીં ગુજરાતીઓના હિતમાં રાજકારણ ન કરવું જોઈએ. સરકાર પ્રજાની સુરક્ષા પૂરી પાડવા યોગ્ય પગલાં લે તેેવી તેમણે માગણી પણ કરી હતી.