(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૮
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે પ્રારંભ થયો, ત્યારે પ્રથમ દિવસે જ વિરોધ પક્ષ કોંગ્રેસે ભારે સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવી મૂકતા રાજ્યપાલ ઓ.પી. કોહલીએ પોતાનું પ્રવચન આઠથી દસ મિનિટમાં જ આટોપી લીધું હતું. એટલું જ નહીં ગૃહમાં આજે પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપતી વખતે રાજકીય પક્ષોના નેતાઓ એક-બીજા ઉપર આક્ષેપો કરવાની પોતાની આદત ભૂલ્યા ના હોય, તેમ આક્ષેપબાજી જારી રાખી હતી. અંતે શહીદોને શ્રદ્ધાંજલિ બાદ ગૃહને મોકૂફ રાખવામાં આવ્યું હતું. આજથી ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસનું ટૂંકું સત્ર શરૂ થયું છે. સત્રના પ્રારંભે રાજ્યપાલના પ્રવચન દરમિયાન વિપક્ષે “આતંકવાદનો ખાત્મો કરો, અમે તમારી સાથે છીએ, ખેડૂતોના દેવા માફ કરો”ના સૂત્રો પોકારી હોબાળો કર્યો હતો. જેને પગલે રાજ્યપાલ આઠથી દસ મિનિટમાં જ પ્રવચન પૂરૂં કરી રવાના થયા હતા. રાજ્યપાલના પ્રવચન બાદ ૧પ મિનિટના વિરામ પછી વિધાનસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ હતી. જેમાં કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. મુખ્યમંત્રી રૂપાણીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપતા આજે જણાવ્યું કે, પુલવામામાં આતંકીઓએ કરેલા કાયરતાપૂર્ણ હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા છે. આતંકવાદીઓ દ્વારા ઘણા સમયથી દેશની એકતા-અખંડિતતા તોડવાના અને સમાજમાં ધર્મના નામે ભાગલા પડાવવાની પ્રવૃત્તિ પાકિસ્તાનની મદદ અને સહાયથી ચાલી રહી છે. ગૃહ એકમતે આ આતંકી કૃત્યને સખત શબ્દોમાં વખોડે છે. આ ઘટના પછી દેશના નાગરિકોમાં પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે ભયંકર આક્રોશ ફાટી નીકળ્યો છે. દેશનો દરેક નાગરિક આજે સૈન્ય સાથે છે અને જવાનોની હિંમત વધારી રહ્યા છે. પ્રસ્તાવની ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના અંગત મંતવ્યના નામે કોંગ્રેસ સામે રાજકીય આક્ષેપબાજીનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે, કાશ્મીરનો પ્રશ્ન જો તે સમયે સરદાર પર છોડી દીધો હોત તો પ્રશ્ન હલ થઈ જતો અને આજની ઘટનાઓ ન બની હોત. કમનસીબે કાશ્મીરને સમય પ્રમાણે એક ન કરી શકયા જે કાંટો ભારત દેશના નાગરિકને આજે પણ ખૂંચી રહ્યો છે, તે સમયના કોંગ્રેસના શાસકોએ સરદાર પટેલને કાશ્મીરનો મુદ્દો સોંપવાની જરૂર હતી, તે બાદ કોંગ્રેસના અમિત ચાવડાએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, આતંકવાદી ઘટના પાછળ મુખ્ય અઝહર મસૂદ છે અને તેને આપણે જો વિમાનમાં કંદહાર છોડી ના આવ્યા હોત તો આ જે બન્યું એ ના બનત. નીતિન પટેલના રાજકીય અવલોકનનો જવાબ આપતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વધુમાં ભાજપની સરકાર સામે આક્ષેપ કરતા કહ્યું કે, આતંકવાદી હુમલાને રોકવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. સરદારના નેતૃત્ત્વમાં દેશને એક અને અંખડ રાખવાના પ્રયત્નો કોંગ્રેસની સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા. દેશની એકતા અને અખંડિતતા માટે કોંગ્રેસે બલિદાનો આપ્યા છે અને આતંકવાદનો ભોગ બન્યા છે. દેશની જનતા સરકાર પાસે અપેક્ષા રાખે છે કે, માત્ર ભાષણ કર્યા વગર પાકિસ્તાનને સબક શિખવાડવા માટે જવાબ આપવાની જરૂર છે. આ ઉપરાંત ભાજપના જીતુ વાઘાણી તથા કોંગ્રેસના શૈલેષ પરમાર વગેરેએ પણ શ્રદ્ધાંજલિ આપતી વખતે રાજકીય અવલોકનો કર્યા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આતંકવાદ સામે લડવા બધા એક થઈ સંકલ્પ સાથે આગળ વધે તેવી હિમાયત કરી હતી.
વિધાનસભામાં બજેટ સત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસનો હોબાળો : શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ

Recent Comments