(એજન્સી) નવી દિલ્હી,તા.૨૦
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દાવો કર્યો હતો કે, જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ બિલકુલ સામાન્ય બની ચૂકી છે. એનસીપી સાંસદ માજિદ મેમણ દ્વારા કરવામાં આવેલા પ્રશ્નના જવાબમાં અમિત શાહે વિસ્તૃત આંકડા રજૂ કર્યા હતા અને દાવો કર્યો હતો કે, જમ્મુ કાશ્મીરમાં જનજીવન સંપૂર્ણપણે પાટા ઉપર છે. ત્યાં તમામ સ્કુલો, હોસ્પિટલો અને કોર્ટથી લઇને તમામ સરકારી ઓફિસો યોગ્યરીતે કામ કરી રહી છે. આ ગૃહમાં કહેવામાં આવ્યું છે કે, ખાસ રાજ્યનો દરજ્જો આંચકી લેવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં ખૂનની નદીઓ વહેશે પરંતુ આજે અમને આ કહીને આનંદ થઇ રહ્યો છે કે, પાંચમી ઓગસ્ટ બાદથી હજુ સુધી પોલીસ ગોળીબારમાં જમ્મુ કાશ્મીરમાં એક પણ નાગરિકનું મોત થયું નથી. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, જ્યાં સુધી ઇન્ટરનેટ સર્વિસની વાત છે. આવનાર સમયમાં આ બાબત પણ અમલી બની જશે. હાલમાં જરૂરી કામો માટે ૧૦ જિલ્લામાં ટર્મિનલ કામ કરી રહ્યા છે. ગૃહમાં મેમણથી પહેલા કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદ અને પીડીપી સાંસદ નઝીર અહેમદે પણ જમ્મુ કાશ્મીરમાં શિક્ષણ અને આરોગ્ય મુદ્દે પ્રશ્ન કર્યા હતા. પીડીપી સાંસદ નજીર અહેમદે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં દવાઓનો અભાવ રહેલો છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે, સરકાર પુરતા પૂરવઠાની ખાતરી કરવા કોઇ વિશ્વાસ આપશે કે કેમ. આઝાદે કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનનો ભય દેખાડાય છે. તેમાં કાંઈ નવું નથી અમને ખાતરી આપો કે ક્યારે શાળાઓ નિયમિત રીતે ચાલું થશે.