(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૭
અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વી.એસ. બચાવો અભિયાન અંતર્ગત આજરોજ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન ચક્કાજામ કરી કાળા ફૂગ્ગા ઉડાડી શહેરના તમામ ૪૮ વોર્ડમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો, મ્યુનિ. કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખો સહિત કાર્યકરો ચક્કાજામ કરે તે પહેલાં જ તમામ વોર્ડમાંથી દસ હજારથી વધુ આગેવાનો-કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરોએ ગરીબ વિરોધી પ્રધાનમંત્રી પાછા જાઓના ગગનભેદી નારા લગાવી તમામ વોર્ડોમાંથી આકાશમાં કાળા ફુગ્ગા છોડતા અનોખા અંદાજમાં વિરોધ નોંધાવ્યો હતો.


દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની આગેવાનીમાં મ્યુનિ. કાઉન્સિલરો સુરેન્દ્ર બક્ષી, જયશ્રીબેન શાહ, મોનાબેન પ્રજાપતિ, વોર્ડ પ્રમુખ તથા કાર્યકરો લાલદરવાજા ખાતે એકઠા થયા હતા, જ્યાંથી તેઓની અટકાયત કરવામાં આવી હતી.


જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની આગેવાનીમાં વોર્ડ પ્રમુખ મુબિન કાદરી, મ્યુનિ. કાઉન્સિલરો શાહનવાઝ શેખ, રઝિયા સૈયદ, અઝરા કાદરી સહિતના કાર્યકરોએ ખમાસા ચાર રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કરતા તેઓની અટકાયત કરવામાં આવી હતી.


બહેરામપુરા વોર્ડમાં મ્યુનિ. કાઉન્સિલર બદરૂદ્દીન શેખની આગેવાનીમાં દાણીલીમડા ચાર રસ્તા ખાતે ચક્કાજામ કરી દેખાવો કરાયા હતા. આ પ્રસંગે સાથી કાઉન્સિલરો કમલાબેન ચાવડા, યુસુફ અજમેરી, વોર્ડ પ્રમુખ ઝફર અજમેરી વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દાણીલીમડા પોલીસે તેઓની અટકાયત કરી હતી.


ગોમતીપુર વોર્ડમાં ધારાસભ્ય શૈલેષ પરમારની આગેવાનીમાં ચક્કાજામ, સૂત્રોચ્ચાર કરી કાળા રંગના ફુગ્ગા છોડવામાં આવ્યા હતા, તેમજ વી.એસ.ના ખાનગીકરણના વિરોધમાં પ્રતિકાત્મકરૂપે ગધેડાઓને સામેલ કરી તેમના ગળામાં બેનરો લટકાવાયા હતા. આ પ્રસંગે સ્થાનિક મ્યુનિ. કાઉન્સિલરો ઈકબાલ શેખ, ટીનાભાઈ વિસનગરી, રૂકસાનાબેન ઘાંચી, આફરિન પઠાણ, વોર્ડ પ્રમુખ ફિરોઝખાન પઠાણ તથા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે તમામની અટકાયત કરી હતી. સાંજે છોડી મૂકયા હતા.

મકતમપુરા વોર્ડમાં વોર્ડ પ્રમુખ મોહમ્મદ ઝહીર મેમણની આગેવાનીમાં મ્યુનિ. કાઉન્સિલરો હાજીભાઈ મિરઝા, રોશનબેન વોરા, સમીરખાન પઠાણ, સુહાનાબેન મનસુરી સહિતના કાર્યકરોએ મસ્ટર સ્ટેશન ખાતે ઉપસ્થિત રહી દેખાવો કર્યા હતા, જ્યાં તેઓની અટકાયત કરવામાં આવી હતી.


વટવા વોર્ડમાં વોર્ડ પ્રમુખ ઉમેદ ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ ઘોડાસર ચાર રસ્તા ખાતે દેખાવો કરી ચક્કાજામ કર્યો હતો. આથી વટવા પોલીસે આવી તેમની અટકાયત કરી હતી.