(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
ઇંધણોના ભાવોમાં સતત વધારા અને ડોલરના મુકાબલે નબળા થતા રૂપિયા અંગે કોંગ્રેસે સોમવારે ૧૦મી સપ્ટેમ્બરે ભારત બધની જાહેરાત કરી હતી. દેશની રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીએ ૧.૮ કિલોમીટર લાંબી પદયાત્રા કાઢી હતી જેમાં ઘણા વિપક્ષી દળોએ હોંશભેર ભાગ લીધો હતો. કેરળમાં મોટાભાગે સમગ્ર રાજ્યમાં બંધ જેવું વાતાવરણ દેખાયું હતું જ્યારે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને અરૂણાચલપ્રદેશમા આ બંધની મોટાપાયે અસર જોવા મળી હતી જ્યારે બિહાર, કર્ણાટકમાં બંધની ખાસ્સી અસર જોવા મળી હતી. બિહારના ઘણા ભાગોમાં બંધ દરમિયાન હિંસક ઘટનાઓ પણ થઇ હતી જેમાં માર્ગો પર ટાયરો સળગાવાયા અને બળજબરીથી દુકાનો બંધ કરાવી હતી. મિઝોરમમાં બંધની અસર જોવા મળી નહોતી. આ રાજ્યમાં રાજ્ય કોંગ્રેસ સમિતી જ સામેલ થઇ નહોતી. જોકે, ઓરિસ્સામાં ઘણા સ્થળોએ પ્રદર્શનો સાથે બંધની વ્યાપક અસર જોવા મળી હતી. ઓરિસ્સા અને બિહારમાં ઘણા રેલવે સ્ટેશનો પર ટ્રેનો અટકાવાઇ હતી. દેશના ઘણા સ્થળોએ માર્ગો પર જામ તથા ટ્રેનો રોકવાની ઘટનાઓ બની હતી. દેશભરમાં થયેલા દેખાવોમાં મોટાપાયે કોંગી કાર્યકરો અને નેતાઓએ અટકાયત વહોરી હતી. ઉજ્જૈન, કટની અને જબલપુરમાં ઘણા લોકોની અટકાયત કરાઇ હતી. બીજી તરફ કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, કોંગ્રેસે બોલાવેલું ભારત બંધ સફળ રહ્યું છે. કોંગ્રેસે આ પહેલા ક્યારેય બંધ બોલાવ્યો નથી. અમે બંધમાં વિશ્વાસ પણ કરતા નહોતા. પણ મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ આ સ્થિતિ સર્જાઇ છે. જનતાએ ભારત બંધમાં ભાગ લીધો અને સરકારને પાઠ ભણાવ્યો છે. સરકારે હવે ઇંધણોના ભાવો ઘટાડવા જોઇએ પણ તેને આની સહેજ પણ ચિંતા નથી. આવા સમયે આપણે બધાએ લોકતંત્ર બચાવવું પડશે. કોંગ્રેસના બંધમાં જેડીએસ, તૃણમુલ કોંગ્રેસ, આરજેડી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી), એલજેડી, રાષ્ટ્રીય લોક દલ, ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંટ, રિવોલ્યૂશનરી સોશિયાલિસ્ટ પાર્ટી, અને આમ આદમી પાર્ટીએ વિપક્ષમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસની ૧.૮ કિલોમીટર લાંબી પદયાત્રમાં ભાગ લીધો હતો જેમાં તેઓ પગપાળા ચાલ્યા હતા જ્યારે સોનિયા ગાંધી અને મનમોહન સિંહ ગાડીમાં સવાર હતા. માનસરોવરની મુલાકાત બાદ રાહુલ ગાંધી પહેલીવાર માર્ગ પર ઉતર્યા હતા.