અમરેલી, તા.૨૦
અમરેલીમાં કેટલાક સમયથી ભૂગર્ભ ગટરના કામોને કારણે શહેરના રોડ રસ્તા ખોદી બાદમાં વ્યવસ્થિત રીતે ખાડાઓ ના પુરતા ઠેર ઠેર રસ્તાઓ ચાલવા લાયક ના રહેતા અમરેલીના શહેરીજનો તોબા પોકારી ગયા છે, શહેરના ચિતલ રોડ ઉપર અગાઉ વડાપ્રધાન આવ્યા હતા ત્યારે એક રાત્રીમાં એક સાઈડનો રોડ તાત્કાલિક બનાવી નાખતા વરસાદ બાદ ચિતલ રોડ જવાના રસ્તે રોડ ઉપર ૧ ફૂટના ખાડા પડી ગયેલ છે તેમજ નાગનાથ મંદિરથી રૂપમ ટોકીજ વાળા રસ્તા તેમજ મ્યુનિસિપલ હાઇસ્કૂલથી સોમનાથ મંદિર સુધીના રસ્તે ભૂગર્ભ ગટરના કામ કરવાવાળાઓએ જાણે કમ્મર તોડવા જ રોડ ઉપર ખાડાઓ કરી નાખ્યા હોય તેવું લાગી રહયું છે અમરેલીની પ્રજા કેટલાય સમયથી ભૂગર્ભ ગટરની કામગીરીના કારણે હેરાન પરેશાન થઇ રહી છે અને તે અંગે સરકારી તંત્રના પેટમાં પાણી પણ હલતું નથી,
આજે અમરેલી શહેરની આ લોક સમસ્યાને લઇ અમરેલી શહેર કોંગ્રેસના યુવાનો દ્વારા ચિતલ રોડ ઉપર વાહનો થંભાવી દઈ વાહનો આડે બેસી જઈ વિરોધ કર્યો હતો જેના કારણે થોડીવાર માટે ચિતલ રોડ ઉપર ભારે તેમજ નાના વાહનોના થપ્પા લાગી ગયા હતા યુવા કોંગ્રેસના યુવાનોએ આજે તંત્રને કોઈપણ જાણ કર્યા વગર રોડ ઉપર વાહનોના ચકાજામ કરી દેતા પોલીસ થોડીવાર માટે દોડતી થઇ ગઈ હતી.