વઢવાણ, તા.ર
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના જનમિત્રો કોંગ્રેસ પક્ષના પાયાના કાર્યકરોથી માંડીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ભાજપના અણઘડ વહીવટ અને પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસ અને રાંધણ ગેસ સિલિંડરના અસહ્ય ભાવ વધારાના વિરોધમાં સુરેન્દ્રનગર મેગા મોલ પાસે આવેલ વોરા પેટ્રોલ પંપ પાસે હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો હતો. જ્યાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરાયો હતો. ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર, દવાઓ પર, આરોગ્ય સેવા પર, શિક્ષણ સેવા પર, પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસ અને રાંધણ ગેસ સિલિન્ડર પર અસહ્ય ભાવ વધારો ઝીંકી દેતા દેશની પ્રજાનું જીવન જીવવું અસહ્ય થઈ ગયેલ છે.
હાલમાં આ કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી, ભાવ વધારો નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગયેલ છે. જેનો સખત વિરોધ દર્શાવી અને ભાવ વધારો પાછો ખેંચવા સરકાર આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. આ કાર્યક્રમમાં ખાસ કરીને કોંગ્રેસના કાર્યકરોમાં ગિરીરાજસિંહ ઝાલા, નિલેશ વાઘેલા, જગદીશભાઈ, પંકજ પુજારા, અલ્તાફ સહિતના કાર્યકરોએ ઉપસ્થિત રહી વિરોધ દર્શાવ્યો હતો.