(એજન્સી) તા.ર૬
કટોકટીની ૪૩મી વર્ષગાંઠ પર કોંગ્રેસ પર પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ગાંધી પરિવારના સ્વાર્થી અંગત હિતો માટે દેશને જેલમાં રૂપાંતરિત કરી દેવાયું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કટોકટી દેશના સુવર્ણ ઈતિહાસ પર કાળા ડાઘ સમાન છે. આજના દિવસને કાળા દિવસ તરીકે બનાવવાનો ઉદ્દેશ્ય ફકત કોંગ્રેસના પાપ માટે તેની નિંદા કરવા સુધી સિમિત નથી પરંતુ બંધારણ અને લોકશાહીની રચના માટે જાગૃતિ લાવવાનો પણ છે. વડાપ્રધાને કહ્યું હતું કે, પોતાના સ્વાર્થી હિતો માટે કોંગ્રેસે વિપક્ષી નેતાઓને કેદ કરી દેશને જેલમાં રૂપાંતરિત કરી દીધું. તેમના માટે દેશ અને લોકશાહીનું કોઈ મૂલ્ય નથી. કોર્ટના ચુકાદા પછી ઈન્દિરા ગાંધીએ વડાપ્રધાન પદેથી હટી જવાને બદલે કટોકટી લાગુ કરી દીધી. આ લોકો બંધારણને બચાવવાની વાત કેવી રીતે કરી શકે છે. વડાપ્રધાનના પ્રહારો પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દેશમાં વધતી જતી બળાત્કારની ઘટનાઓ અને મહિલા સુરક્ષાની બગડતી જતી સ્થિતિ વિશે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તાજેતરમાં મહિલા સુરક્ષા વિશે થયેલા વૈશ્વિક સર્વેનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે આપણા વડાપ્રધાન તેમના બગીચામાં યોગના વીડિયો બનાવવામાં વ્યસ્ત છે જ્યારે બળાત્કાર અને મહિલાઓ વિરૂદ્ધ હિંસામાં ભારત, અફઘાનિસ્તાન, સીરિયા અને સઉદી અરબ કરતાં પણ આગળ છે. આપણા દેશ માટે આ શર્મનાક બાબત છે.
કટોકટીની વર્ષગાંઠે વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહારો કર્યા, રાહુલ ગાંધીએ બળાત્કાર વિશેના શર્મનાક અહેવાલ વડે પ્રતિક્રિયા આપી

Recent Comments