રાજપીપળા, તા.ર૬
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરમાં આજે ભાજપનો સ્નેહમિલન સમારંભ યોજાયો હતો.જેમાં નાંદોદ ધારાસભ્ય અને વન અને અદિજાતી રાજ્ય મંત્રી શબ્દશરણ તડવી, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ, છોટાઉદેપુર સાંસદ રામસિંગ રાઠવા, ભરૂચ સાંસદ મનસુખ વસાવા, જિલ્લા સંગઠન પ્રભારી સતીશ પટેલ, ભાજપ રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ ડો.દર્શના દેશમુખ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા.
વન અને આદિજાતિ રાજ્ય મંત્રી શબ્દશરણ તડવીએ જણાવ્યું હતું કે સમાજ અને ધર્મના નામે લોકોમાં ભાગલા પડાવતા તત્વો સામે ચેતવણી જરૂર છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પોતાના સંબોધનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાહુલ ગાંધી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે તે હાથ ચલાવતા સંસદમાં આવે છે પણ ૧૧ જ મિનિટમાં તે સંસદમાં ઉંઘી જાય છે. વધુમાં મનસુખ વસાવાએ કહ્યું મને વિધાનસભામાં હરાવનારાને મેં વિધાનસભામાં જીતાડયો હતો. કોંગ્રેસ સામે આપણે ભ્રષ્ટાચારના આક્ષેપ કરીએ છે પણ આપણે આપણી તરફ જોઈ આત્મમંથન કરવાનું છે. મોદી રાત દિવસ કામ કરે છે. અદિવાસીના ખોટા સર્ટિફિકેટથી નોકરી કરનારાને છુટા કરવામાં આવશે. ત્યારે ભાજપના જ નેતાએ પોતાના ભાજપના કાર્યકર્તાઓને આડકતરી રીતે આડેહાથે લેતા કાર્યકર્તાઓમાં આશ્ચર્યનું મોજું ફરી વળ્યું હતું.