(સંવાદદાતા દ્વારા) માંગરોળ,તા.ર૬
છેલ્લા બે દાયકાથી રાજ્ય સરકાર ખેડૂતોના નામે માત્ર મોટી મોટી વાતો કરે છે અને કરોડો રૂપિયાના ખર્ચે કૃષિમેળાના નિરર્થક કાર્યક્રમો યોજવામાં આવે છે. એવા આક્ષેપ સાથે આજે માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના અન્ય વણઉકેલ્યા પ્રશ્નો સંદર્ભે માંગરોળમાં મામલતદાર કેડી.કોળીને એક આવેદનપત્ર પેશ કર્યું છે. આ આવેદનપત્રમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ દિનપ્રતિદિન દયનીય થતી જાય છે.
ખેડૂતોને ખેતીને લગતી ખેતી વિષયક વીજ જોડાણ, સિંચાઈની કેનાલો જેવી સુવિધાઓ સારી રીતે ઉપલબ્ધ કરાઈ નથી. ખેતપેદાશોની પડતર ઘણી ઉંચી થાય છે. જ્યારે ખેતપેદાશોનું પૂરતું વળતર ન મળવાથી ખેડૂતો દેવાના ખટપરમાં ડુબી રહ્યા છે. જેથી ખેડૂતોના સરકારી લેણા માફ કરવાની વ્યવસ્થા કરવા જણાવાયું છે, ખાતર ઉપરના વેરા નાબૂદ કરવા, ખેતપેદાશો માટે પોષણક્ષમ ભાવે ખરીદીની વ્યવસ્થા કરવા, પાક વીમાની રકમ સમયસર ચૂકવી આપવા, ખેડૂતોને વ્યાજબી ભાવે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ મળે, ખેડૂતો ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એ બંધ થવા જોઈએ, સરકારે ગૌચરની જમીનની જાળવણી માટે વ્યવસ્થા કરવી જોઈએ. અંતમાં જણાવાયું છે કે ખેડૂતોના હીતોનું રક્ષણ કરવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. આ પ્રસંગે માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરી, શામજીભાઈ ચૌધરી, ડો.નટવરસિંહ આડમાર, ઈદ્રીશ મલેક, રૂપસીંગ ગામીત, એડ-બાબુ ચૌધરી, શાહબુદ્દીન મલેક, ઈરફાન મકરાણી, યાસ્મીનબેન દાવજી, રણધીરસિંહ આડમાર, કેતન ભટ્ટ, રાજ રાઠોડ વગેરે હાજર રહ્યા હતા.