(એજન્સી) તા.૭
કોંગ્રેસના સાંસદ અને મુસ્લિમોના ધર્મગુરુ અસરારૂલ હક કાસમી શુક્રવારે જન્નતનશીન થયા હતા. કાસમીએ તેમના વતન કિશનગંજમાં છેલ્લો શ્વાસ લીધો હતો. તે ૭૬ વર્ષના હતા અને તેમના બાળકોમાં બે પુત્રો અને ત્રણ પુત્રીઓનો સમાવેશ થાય છે. જમિયત-ઉલેમા-એ-હિંદના રાજ્ય પ્રમુખ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય તરીકે કાર્યભાર સંભાળી ચૂકેલા કાસમી ર૦૦૯માં પ્રથમવાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેમણે ર૦૧૪માં ફરીથી કિશનગંજ બેઠક પરથી વિજય મેળવ્યો હતો. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે તેમના આશ્વાસન સંદેશમાં કહ્યું હતું કે, કાસમી રાજકારણમાં પ્રમાણિકતા અને હૃદયની સાદગી માટે જાણીતા હતા. તે સામાજિક કાર્યોમાં ખૂબ જ ઊંડો રસ ધરાવતા હતા અને તેમના મતવિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય હતા. નીતિશકુમારે આ પણ જાહેરાત કરી હતી કે, સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કાસમીની દફનવિધિ કરવામાં આવશે. કાસમીના નિધનના સમાચાર સાંભળી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કિશનગંજથી કોંગ્રેસ પાર્ટીના લોકપ્રિય સાંસદ મૌલાના અસરારૂલ હક સાહબના અવસાનના સમાચાર સાંભળી ખૂબ જ દુઃખ થયું. હું અસરારૂલ હક સાહબના પરિવારજનો પ્રત્યે મારું દુઃખ અને સંવેદના વ્યક્ત કરું છું. આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે પણ મૌલાના કાસમીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.