(એજન્સી) તા.૨૬
જ્યારથી નરેન્દ્ર મોદી સરકાર સત્તારુઢ થઇ છે ત્યારથી લિંચિંગ એટલે કે ભીડ તંત્ર દ્વારા થતી હિંસા એ તેના માટે તકિયાકલામ શબ્દ બની ગયો છે. જે રીતે મનમોહનસિંહ શાસિત યુપીએ-૨ સરકાર સાથે કૌભાંડ શબ્દ વણાઇ ગયો હતો એ રીતે લિંચિંગ શબ્દ ભાજપ સાથે વણાઇ ગયો છે. ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચુસ્ત અનુયાયીઓ નિઃશંકપણે વિરોધમાં ઊભા થશે અને જાહેર કરશે કે મનમોહનસિંહ સરકારના પ્રધાનો ભ્રષ્ટાચારના આરોપમાં ઝડપાયા હતા ત્યારે વર્તમાન ભાજપ સરકારના કોઇ પણ પ્રધાન લિંચિંગમાં સંડોવાયેલા નથી. તેઓ ૧૯૮૪ના રમખાણોનો દાખલો ટાંકશે કે જેમાં કોંગ્રેસ નેતાઓની આગેવાની હેઠળ ટોળાઓએ શીખોની નિર્મમ હત્યા કરી હતી. આ હત્યાઓ વખોડવા યોગ્ય હતી અને રાજીવ ગાંધીએ પણ આ અંગે ન બોલાય એવી ટિપ્પણીઓ કરી હતી પરંતુ કોંગ્રેસના પ્રધાનોએ ક્યારેય ટોળા હત્યારાઓની તરફેણ કરી ન હતી કે સમર્થન આપ્યું ન હતું. જ્યારે ભાજપના વિવિધ પ્રધાનો અને સંઘ પરિવારની આવી ઘટનાઓ પ્રત્યેની આવી પ્રતિક્રિયા જોવા જેવી છે. અખલાક ખાનની ટોળા દ્વારા હત્યાથી લઇને અત્યાર સુધીની ઘટનાઓમાં શાસક પક્ષના ચૂંટાયેલા પદાધિકારીઓનું આ ગુનેગારોને સમર્થન સાંપડ્યું છે. કેન્દ્રીય પ્રધાન મહેશ શર્માએ અખલાકના કેસમાં મુખ્ય આરોપીના ગામની મુલાકાત લીધી હતી અને ત્યારથી પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યોએ ટોળા હિંસાનો ભોગ બનનારને બદલે ટોળાહિંસા આચરનારાઓ પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે ગાયોની કતલ બંધ થવી જોઇએ. આરએસએસના નેતા ઇન્દ્રેશ કુમારે પણ આ જ વાત કરી હતી. ખાસ કરીને મુસ્લિમો વિરુદ્ધ કોમી હિંસાના ખરા કૃત્યો મધ્યમ વર્ગને ભ્રષ્ટાચારના આક્ષેપો જેટલા આકર્ષતા નથી. આ માટે કોઇ ઉપવાસ, રેલી કે કોઇ આક્રોશ વ્યક્ત કરવામાં આવતો નથી. આમ ભાજપ સરકાર સાથે મોબ લિંચિંગ શબ્દ એ રીતે વણાઇ ગયો છે કે આવનારા સમયમાં ભાજપના શાસનને લિંચિંગના યુગ તરીકે લોકો યાદ કરશે.