(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ચૂંટણીને લઈને બરોબરના એકશન મૂડમાં આવી ગયા છે. ફરીવાર ગુજરાતમાં ચૂંટણીની જાહેરસભાઓ ગજવવા આવી પહોંચેલ મોદીએ આજે કોંગ્રેસને વિવિધ મુદ્દે ઘેરવાના પ્રયાસો કર્યા હતા. તેમણે ધંધુકાની સભામાં એક તરફ ડૉ.આંબેડકર અને સરદાર પટેલ સાથે કોંગ્રેસે ભારે અન્યાય કર્યો હોવાના પ્રહારો કર્યા હતા તો બીજી તરફ ભાજપના પ્રચારની દિશાને નવો વળાંક આપવાના પ્રયાસ રૂપે તેમણે રામમંદિરનો મુદ્દો ઉઠાવી કોંગ્રેસ શા માટે રામમંદિરને ચૂંટણી સાથે જોડી રહી છે તેવો પ્રશ્ન કરતાં જણાવ્યું હતું કે, રામમંદિરના મુદ્દે રાજકીય લાભ થાય તે જોવાનું કે ભારતનું ભલુ થાય એ જોવાનું.
વડાપ્રધાન મોદીએ ધંધુકામાં કરેલી સભામાં શરૂઆતથી અંત સુધી કોંગ્રેસ પર વાર કરતાં રહ્યા અને અંતમાં તેમણે રામમંદિર મુદ્દે સુપ્રીમકોર્ટમાં ચાલી રહેલા કેસમાં કપિલ સિબ્બલે કરેલી અરજ અંગે કપિલ સિબ્બલની વકીલાત સામે સવાલ ઉઠાવીને કહ્યું, તમે કોર્ટમાં એવું કહેવાની હિંમત કરો છો કે ર૦૧૯માં લોકસભાની ચૂંટણી છે ત્યારે આ મામલે કોઈ નિર્ણય ન લેવાવો જોઈએ. મોદીએ સિબ્બલ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હોવા મુદ્દે કોઈ વાંધો ન હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે શા માટે તેઓ લોકસભા ચૂંટણીને રામમંદિર સાથે જોડી રહ્યા છે. શું આવું વિચારવું યોગ્ય છે ? તેમણે દરેક વાતને રાજકીય ત્રાજવે તોલવાની કોંગ્રેસને આદત પડી ગઈ હોવાનું જણાવતા કહ્યું કે ચૂંટણીઓ તો ચાલતી જ હોય છે તો શું કામ અટકાવી દેવાના ? આ સાથે મોદીએ એવો પણ સવાલ કર્યો કે વકફ બોર્ડ ચૂંટણી લડે છે કે કોંગ્રેસ ચૂંટણી લડે છે ? ભારતનું ભલું થાય છે એ જોવાનું કે ચૂંટણીમાં લાભ થાય છે કે નહીં એ જોવાનું ? કોંગ્રેસના કપિલ સિબ્બલે કરેલી દલિલોને કેટલાક કોંગ્રેસના નેતાઓ તેમનો અંગત વિચાર માની રહ્યા છે. આ સાથે મોદીએ તમામ ચૂંટણીઓ એક સાથે યોજવાના મુદ્દાને પણ સભામાં ઉલ્લેખીને કહ્યું કે તમામ ચૂંટણીઓ જો એક સાથે કરવામાં આવે તો રૂપિયાની સાથે સમય પણ બચી જાય.
મોદીએ કોંગ્રેસની જાહેરાત અને સ્લોગન કોંગ્રેસ આવે છે પર ટોણો માર્યો અને કહ્યું જે આવે છે, કરે એ કશંુ ના આવે. બનારસમાંથી ગયું અને ઉત્તરપ્રદેશમાંથી ગયું. કોંગ્રેસે ડૉ.આંબેડકર સાથે અન્યાય કર્યો છે. ડૉ.આંબેડકરને દીર્ધદ્રષ્ટા ગણાવીને પાણી માટે તેમણે અગાઉથી વિચાર કર્યો હોવાની વાત કરી. મોદીએ કહ્યું, બહુ ઓછા લોકોને ખબર હશે કે બાબાસાહેબ આંબેડકર હતા જેમણે પાણી સિંચાઈના કામ માટે દીર્ધદ્રષ્ટિ રાખી હતી. રિઝર્વ બેંકની રચનાનો વિચાર પણ તેમણે આપ્યો હતો. સરદાર પટેલ સાથે કોંગ્રેસે અન્યાય કર્યાની વાત સાથે આજે આંબેડકર સાથે કોંગ્રેસે અન્યાય કર્યો હોવાની વાત કરીને તેઓએ કહ્યું કે કોંગ્રેસ અને પરિવારના કારણે દેશના મહાન પુત્ર ડૉ.આંબેડકરની સાથે પણ એવો જ અન્યાય થયો. કોંગ્રેસ ઈચ્છે એ જ થાય તેવું વાતાવરણ હતું. ડૉ.આંબેડકર જેવા વિદ્ધાન વ્યક્તિ, શામાપ્રસાદ મુખરજીની મદદ લીધી પછી બંધારણ સભામાં આવી શકયા. ડૉ.આંબેડકરને ભારત રત્ન મળે પણ જ્યાં સુધી કોંગ્રેસનો વાવટો ફરકતો રહ્યો પણ, કોંગ્રેસે તેમને યાદ ન કર્યા.
મોદીએ ધંધુકાની પાણીની સમસ્યાને ભૂતકાળ ગણાવીને કહ્યું, ધંધુકામાં એવી કહેવત હતી કે દીકરીને બંદૂકે દેજો પણ ધંધુકે ન દેતાં. દીકરીના ત્યાં લગ્ન થાય તો સજા મળી હોય તેવું લાગતું. અમારે રાજકારણ કરવું હોત તો હેડપંપ લગાવ્યા હોત, ટેન્કર મોકલ્યા હોત. પણ અમે પ્રજાની આંખમાં ધૂળ નાંખવાનો રસ્તો ન અપનાવ્યો. કોંગ્રેસના મળતિયાઓના ટેન્કરો બંધ કરાવ્યા એટલે એમને વાંધો પડે છે. કોંગ્રેસ દ્વારા વારંવાર મોદી સરકાર ગરીબોની નહીં પણ કરોડપતિઓની હોવાના કરતા આક્ષેપોનો જવાબ આપીને બોલી રહ્યા, (કેન્દ્રમાં) ભાજપની સરકાર આવ્યા પછી ૩૦ કરોડ બેંકોના ખાતા ખોલ્યા. આ ગરીબોનું કામ છે કે નહીં ?

મોદીએ ટ્રીપલ તલાકનો મુદ્દો ઉઠાવી કર્યા પ્રહારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ દિવસમાં ત્રીજી વખત ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. જેમાં તેમણે સૌપ્રથમ ધંધુકાથી ચૂંટણી સભા સંબોધી હતી. વડાપ્રધાન મોદીએ ટ્રીપલ તલાક મુદ્દે પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ત્રણ તલાકની સુપ્રીમમાં મેટર હતી, ભારત સરકારે એફિડેવિટ કરવાની હતી. ત્યારે છાપામાં સમાચારો આવતા કે મોદી ત્રણ તલાક મુદ્દે ચૂપ રહેશે કંઈ બોલશે નહીં અને ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં મુસ્લિમ મતો નહીં મળે એમ કહીને મને ડરાવતા હતા. દેશને ચૂંટણીના ત્રાજવે ન તોલી શકાય. રાજીવ ગાંધીના સમયથી આ તલાકનો લટકેલો મામલો હતો. આખરે સપ્રીમે કાયદો બનાવવાનો આદેશ આપ્યો હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.