(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૧
કોંગ્રેસ શાસિત માણસા તાલુકા પંચાયતના ૧૦ સભ્યોએ બળવો કરી પક્ષપલ્ટો કરતા કોંગ્રેસના સભ્યએ આ દસ સભ્યોને ગેરલાયક ઠેરવવા માટે ડેજીગ્નેટેડ ઓથોરિટી સમક્ષ દાદમાંગી હતી. જેમાં અરજકર્તાના વકીલ ચિંતન પંકજ ચાંપાનેરીની દલીલોને ઓથોરિટીએ માન્ય રાખતા ભાજપ અને પક્ષપલટુ સભ્યોને લપડાક પડી છે. હવે કોંગ્રેસ શાસિત માણસા તાલુકા પંચાયત જે લઘુમતીમાં મુકાઈ ગઈ હતી જે આ ચુકાદાને લીધે ફરી બહુમતીમાં આવી ગઈ છે.
વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા માણસા તાલુકા પંચાયતના પક્ષ પલટું ૧૦ સભ્યોને પક્ષાંતર વિરોધી ધારા હેઠળ ગેરલાયક ઠેરવવાના આદેશને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ૧૪૭ તાલુકા પંચાયત અને ૨૩ જિલ્લા પંચાયતમાં સ્થાનિક નાગરિકોએ કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ મુકીને જે તે સભ્યોને જીત આપી સત્તા સુકાન સોંપ્યા હતા ત્યારે લોભ, લાલચ અને ધાક-ધમકીથી પક્ષ પલટો કરી પ્રજાદ્રોહ, પક્ષદ્રોહ કરનાર જે તે સભ્યોને છ વર્ષ માટે ગેરલાયક ઠેરવવાના આદેશ આવકારદાયક છે. જ્યારથી ગુજરાતની જનતાએ ૧૪૭ તાલુકા પંચાયત અને ૨૩ જિલ્લા પંચાયતમાં લોકતાંત્રિક રીતે કોંગ્રેસ પક્ષને જનસમર્થન -જનઆશીર્વાદ આપીને સત્તાના સુકાન સોંપ્યા તે દિવસથી હતાશ ભાજપ યેનકેન પ્રકારે કાવાદાવા-કાવત્રા કરીને કોંગ્રેસ પક્ષ શાસિત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તોડવા માટેના પ્રયાસો કરી રહ્યાં છે. જેમાં ભાજપને મોટા પાયે નિષ્ફળતા સાંપડી છે.
કોંગ્રેસ પક્ષમાંથી પક્ષ પલટો કરનાર માણસા તાલુકા પંચાયત પ્રમુખ સહિતના ૧૦ સભ્યોને ગેરલાયક ઠેરવાતા ભાજપ અને પક્ષ પલટુ પ્રમુખ સહિતના સભ્યોને મોટી લપડાક પડી છે.

રાજ્યમાં પક્ષ પલટો કરનાર સભ્યો સામે કોંગ્રેસ કાર્યવાહી હાથ ધરશે

રાજ્યમાં જે તે જિલ્લા-તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ સભ્ય એ પક્ષ પલટો કર્યો છે તેની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી સમયમાં કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની તજવીજ આગળ વધારવામાં આવી રહી છે. પક્ષ પલટો કરીને પ્રજાદ્રોહ-પક્ષદ્રોહ કરનારને ગેરલાયક ઠેરવવાના આદેશથી પક્ષ પલટો કરનાર પર રોક લાગશે.

પક્ષાંતર ધારાની કલમ ૩(૧) હેઠળ ગેરલાયક ઠરેલ માણસા તાલુકા પંચાયતના ૧૦ સભ્યો

રાઠોડ જીલાબેન દરૂસિંહ ર પટેલ જયંતિભાઈ અંબાલાલ
પટેલ વિપુલભાઈ ખોડાભાઈ ચૌધરી વિષ્ણુભાઈ નારણભાઈ
દેવડા વિનુબા ગનુજી બિહોલા જગતસિંહ મનુસિંહ – પ્રમુખ
ચૌધરી માધાભાઈ જોરાભાઈ ચૌધરી ઉષાબેન લાલજીભાઈ
ઠાકોર સંગીતાબેન પ્રકાશજી રાઠોડ જશવંતસિંહ વક્તુસિંહ