અમદાવાદ, તા.૧૮
કોંગ્રેસથી છેડો ફાડ્યા બાદ થોડો સમય આરામ કર્યા બાદ શંકરસિંહ વાઘેલાએ ગુજરાતના રાજકારણમાં ફરી સક્રિય થવાનો નિર્ણય કર્યો છે. જેની જાહેરાત તેઓ આવતીકાલે મંગળવારના રોજ કરશે તેવી શક્યતા છે. જો કે ઘણા સમય બાદ ગુજરાતમાં અડીખમ ભાજપ સરકાર સામે બરાબરની ટક્કર આપવા માટે કોંગ્રેસ તૈયાર થઈ ગઈ છે ત્યારે શંકરસિંહ બાપુએ કોંગ્રેસનો ખેલ બગાડવા હવે રાજકારણમાં રીએન્ટ્રી મારવાની તૈયારી કરી છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ મંગળવારના રોજ શંકરસિંહ વાઘેલા ગુજરાતના રાજકારણમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરશે. જો કે તેઓ જાતે ચૂંટણી લડવાને બદલે ભાજપ કોંગ્રેસની સામે વધુમાં વધુ ઉમેદવારો ચૂંટણી લડે તે માટે કામગીરી કરશે. આમ શંકરસિંહ બાપુ ત્રીજા મોરચા તરીકે મેદાનમાં ઉતરી રહ્યા હોવાને લીધે દેખીતી રીતે તેનો ફાયદો સીધો ભાજપને જ થવાનો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે પણ ત્રીજો મોરચો ઉતરે છે ત્યારે કોંગ્રેસને મળનારા મતોનું જ વિભાજન થાય છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત પરિવર્તન પાર્ટીએ ત્રીજા મોરચા તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું તેના લીધે કોંગ્રેસના મતોનું વિભાજન થતા તેને નુકસાન થયું હતું ત્યારે ફરી એકવાર ત્રીજા મોરચો વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયારી થઈ રહી છે ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીમાં તેના મતોનું વિભાજન થતું અટકાવવા અત્યારથી રણનીતિ ઘડી કાઢી હોવાનું જાણવા મળ્યું છે. જો કે શંકરસિંહ બાપુ ત્રીજા મોરચાનું પ્રચાર કાર્ય નવરાત્રીથી તા.ર૧ સપ્ટેમ્બરના રોજથી શરૂ કરાશે. આ દરમિયાન તેઓ ગુજરાતનો પ્રવાસ કરશે તેવું જાણવા મળ્યું છે. અત્રે નોંધનીય છે કે કોંગ્રેસથી છેડો ફાડ્યા બાદ રાજ્યસભાની ચૂંટણીમાં વારંવાર પોતાના નિવેદનોને ફેરવી તોડીને કોંગ્રેસની વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું અને ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું ત્યારે તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના ભાજપના મંત્રીઓ હાજર હતા. ત્યારબાદ હવે બાપુ ત્રીજા મોરચા તરીકે હવે ભાજપ અને કોંગ્રેસ સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી સીધી રીતે ભાજપને લાભ અપાવવાનો પ્લાન ઘડી કાઢ્યો હોય તેવું સ્પષ્ટ થયું છે.