(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૫
આણંદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર નહી કરતા તેમજ એક પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવાની અટકળો વહેતી થતા આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસનાં પાયાનાં કાર્યકરો ઉમટી પડયા હતા અને કોંગ્રેસમાં કોઈ દિવસ દેખાયા પણ ન હોય તેવા ઉમેદવારને ટિકિટ ફાળવણી કરવામાં આવશે તો વિરોધ કરવાની ચિમકી ઉચ્ચારી હતી,તેમજ ત્યારબાદ ૩૦૦થી વધુ કાર્યકરો ચાર લકઝરી બસો સાથે અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસનાં નેતાઓ સમક્ષ રજૂઆત કરવા ગયા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. આણંદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર હજુ સુધી જાહેર કર્યા નથી આ બેઠક પર નિરિક્ષકો સમક્ષ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાંતીભાઈ સોઢાને ટિકિટ આપવા માટે રજૂઆતો થઈ હતી. છેલ્લી બે ચૂંંટણીઓમાં કાંતીભાઈ સોઢાએ ભાજપના ઉમેદવારને જબરદસ્ત ટક્કર આપી હતી અને તેઓ ખૂબ જ ઓછા માર્જીનથી હારી ગયા હતા. જેથી તેઓ માટે આ વખતે ચૂંંટણીમાં ચિત્ર ખૂબ જ સારૂ હોઈ તેમજ તેઓને ટિકિટ આપવામાં આવે તો આ સીટ પર આ વખતે કોંગ્રેસનો વિજય થાય તેવો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ કાંતીભાઈ સોઢા દ્વારા ધણા સમયથી ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા હતા અને તેઓએ ચૂંટણીનો પ્રચાર પણ શરૂ કરી દીધો હતો અને આ વખતે ક્ષત્રિય સમાજ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાટીદાર સમાજ અને મુસ્લિમ સમાજ સહિત તમામ લોકોએ આ ચૂંંટણીમાં કાંતીભાઈને વિજય અપાવવા માટે તપ્પરતા બતાવી હતી. સોમવારે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે શનિવાર સુધી હાઈકમાન્ડ દ્વારા કાંતીભાઈ સોઢાને ઉમેદવારીપત્ર ભરવા માટે કોઇ સૂચના આપવામાં આવી નથી તેમજ આજે કોંગ્રેસમાં ઉમેદવાર તરીકે મેહુલ પટેલ નામના ઉમેદવારનું નામ વહેતું થતા કોંગ્રેસનાં કાર્યકરોમાં ભડકો થયો હતો,અને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસનાં વિવિધ પાંખનાં પદાધિકારીઓ તેમજ કાર્યકરો, ક્ષત્રિય સેના, ઠાકોર સેનાંનાં કાર્યકરો ઉમટી પડયા હતા અને ક્ષત્રિય કાર્યકર કાંતીભાઈ સોઢાનાં બદલે અન્ય ઉમેદવારને ટિકિટ આપવા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી હોબાળો મચાવ્યો હતો, ત્યારે કાંતીભાઈ સોઢાએ સૌ કાર્યકરોને શાંતી રાખવા અપીલ કરી હતી.