(એજન્સી)
નવી દિલ્હી, તા.૬
જેમણે ૧૯ વર્ષ સુધી કોંગ્રેસનો કાર્યભાર સંભાળ્યો છે એવાં સોનિયા ગાંધી સાવ મેદાન છોડીને ભાગી જવાનાં નથી. તેઓ કોંગ્રેસના નવા પ્રમુખ રાહુલ ગાંધીના સલાહકાર તરીકે ભૂમિકા ભજવશે. સોનિયા ગાંધી માત્ર પક્ષના કાર્યકરો અને નેતાઓ સાથે ઘરોબો ધરાવે છે એવું નથી પરંતુ એનસીપીના શરદ પવાર ટીએમસીના મમતા બેનરજી અને રાજદના લાલુ પ્રસાદ યાદવ જેવા વિપક્ષી નેતાઓને પણ સોનિયા સાથે કામ કરવામાં સરળતા લાગે છે. સોનિયાએ ૧૯૯૮માં સંગઠનનો હવાલો સંભાળ્યો હતો. જો કે કોંગ્રેસના પ્રમુખ તરીકે તેમણે ર૦૦૦માં વિધિવત કાર્યભાર સંભાળ્યો હતો. અમે તમામ રાહુલજીને આવકારીએ છીએ પરંતુ આટલા વર્ષો અમારી પડખે ઊભા રહેવા બદલ સોનિયાજીનો વિશેષ આભાર માનીએ છીએ. એવું કોંગ્રેસના પીઢ નેતા ગુરૂદાસ કામતે જણાવ્યું હતું.
કોંગ્રેસના કોમ્યુનિકેશન વડા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે પક્ષને રાહુલજી અને સોનિયાજી બંનેના નેતૃત્વમાં લાભ મળશે. જ્યારે સોનિયાના પુત્રી પ્રિયંકા વાડ્રા બેકરૂમ રણનીતિકાર અને રાહુલના સલાહકાર તરીકે ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. પ્રિયંકા પારિવારિક બેઠક અમેઠી અને રાયબરેલીમાં પ્રચાર કામ પણ સંભાળશે.