અમદાવાદ,તા. ૨૧
દિલ્હીમાં કોંગ્રેસના વફાદાર ધારાસભ્યોને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરાવ્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને નિશંકપણે બે તૃત્યાંશ બહુમતી મળશે. ભાજપનો અસલી ચહેરો પ્રજા જાણી ગઇ છે અને તેથી આગામી ચૂંટણીઓમાં જનતા ભાજપને કોંગ્રેસ તરફી મતદાનથી જડબાતોડ જવાબ આપશે. કોંગ્રેસના ધારાસભ્યોની સોનિયા ગાંધી સાથેની મુલાકાતને હાસ્યાસ્પદ ગણાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના વલણ પરત્વે પ્રતિક્રિયા આપતાં સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યોની ચિંતા કરવાની મુખ્યમંત્રીએ જરૂર નથી. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ વખતે તેમની બેઠક નહી બદલે, તો આ વખતની ચૂંટણીમાં તેમને કારમી હારનો સામનો કરવો પડશે તે નક્કી છે, તેથી તે તેમની ચિંતા કરે. આગામી ચૂંટણીઓમાં ભાજપને સજજ્ડ પછડાટ મળવાની છે અને કોંગ્રેસને બે તૃત્યાંશ સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થશે. બળવતસિંહ દ્વારા અહમદ પટેલના રાજયસભાના પરિણામને પડકારતી ગુજરાત હાઇકોર્ટમાં કરેલી પિટિશન અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં સોલંકીએ જણાવ્યું કે, રાજયસભા ચૂંટણીમાં તો બળવંતસિંહ હારી ગયા અને ભાજપને જે રીતે પછડાટ મળી છે, તે જોતાં હાઇકોર્ટની કાનૂની લડાઇમાં પણ ભાજપને પછડાટ મળશે. દરમ્યાન કોંગ્રેસના સિનિયર નેતા શકિતસિંહ ગોહિલે ધારાસભ્યોની સોનિયા અને રાહુલ ગાંધીની મુલાકાત મુદ્દે જણાવ્યું કે, ધારાસભ્યોની મુલાકાત દરમ્યાન તેઓની વફાદારીને કોંગ્રેસ પક્ષે અને સોનિયા ગાંધી તેમ જ રાહુલ ગાંધીએ બિરદાવી છે. સાથે સાથે લોકોની સેવામાં લાગી જવા પણ તેમણે અનુરોધ કર્યો છે. આગામી વિધાનસભા ચૂંટણીઓને લઇને પણ તેઓએ મહત્વનો સંદેશો આપ્યો છે કે, ચૂંટણીમાં પણ સત્તા માટેનો સંઘર્ષ નહી પરંતુ લોકોની સેવા માટેનો સંઘર્ષ હોવો જોઇએ. આગામી દિવસોમાં કોંગ્રેસ નવસર્જન ગુજરાતના સપનાને સાકાર કરશે. ધારાસભ્યોની તોડફોડ નીતિમાં છેવટે નિષ્ફળ ગયેલ ભાજપ પર પ્રહાર કરતાં તેમણે ઉમેર્યું કે, ભાજપની તોડફોડ અને અસત્યની કોઇ નીતિ કામે લાગી નહી, આખરે તો સત્યનો જ વિજય થયો છે. વિધાનસભાની ચૂંટણીઓમાં પણ પ્રજા સત્યની સાથે જ રહેશે.