અમદાવાદ, તા.૨૨
અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. જેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે તે પોલીસ કોન્સ્ટેબલ નામે મહેશ પરમાર શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આ મામલે યુવતીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોમતીપુર પોલીસ સ્ટેશનના મહેશ પરમાર સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવી છે. યુવતીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદ પ્રમાણે, મહેશ તેની સાથે લિવ-ઇન રિલેશનશીપમાં રહેતો હતો.
મહેશ પરમારે યુવતી સાથે મૈત્રી કરાર કરીને યુવતી સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવતી સાથે લિવ-ઈન રિલેશનશીપમાં રહી આચરી છેતરપિંડી આચરી હતી. યુવતીને પોતાના પતિ સાથે છૂટાછેડા લેવાના હોવાથી તે કોન્સ્ટેબલની નજીક આવી હતી અને બંને વચ્ચે દોસ્તી થઈ હતી. જે બાદમાં યુવતી તેના બાળકો સાથે કોન્સ્ટેબલ સાથે જ રહેતી હતી.
ફરિયાદ અનુસાર મહેશ પરમારે યુવતીને પોતાની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. પરંતુ કોન્સ્ટેબલ મહેશ પરમારે યુવતી સાથે લગ્ન કર્યા ન હતા અને તેની સાથે શારીરિક સંબંધ બાંધીને તેના અશ્લિલ વીડિયો પણ ઉતારી લીધા હતા. આ મામલે આખરે યુવતીએ કંટાળીને લિવ-ઇનમાં રહેતા કોન્સ્ટેબલ સામે ફરિયાદ આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને મહેશ પરમાર સામે વધુ તપાસ હાથ ધરી છે.