(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૦
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના ફાયર વિભાગને બપોરે ર.૪૯ પાસે પીડિયાટ્રીક વિભાગમાં આગ લાગી હોવાનો મેેસેજ મળતા જ તે સમયે ઓફિસમાં હાજર ક્રિષ્ણા સોલંકી દોડી ગયો હતો. હોસ્પિટલમાં લાગેલી આગથી પીડિયાટ્રીક વિભાગમાં ધૂમાડાના ગોટેગોટા થઈ ગયા હતા. સામેની વ્યક્તિ પણ ન દેખાય તે રીતે ધૂમાડો હોસ્પિટલમાં પ્રસરી ગયો હતો. આ ધૂમાડા વચ્ચે ક્રિષ્ણા મુખ્ય દરવાજાથી પીડિયાટ્રીક વિભાગમાં જવાને બદલે બે હોસ્પિટલને જોડતા બ્રિજ ઉપર ચઢી ગયો હતો અને બ્રિજ ઉપરનો પ્લાસ્ટિકનો શેડ તોડીને દાખલ બાળકોના વોર્ડ પાસે પહોંચી ગયો હતો. વોર્ડ પાસે પહોંચ્યા બાદ વોર્ડમાં પ્રવેશવું પણ કાચની બારી હોવાના કારણે મુશ્કેલ હતું. પરંતુ ક્રિષ્ણાએ કોઈપણ જાતનો વિચાર કર્યા વિના બારીના કાચ હાથથી તોડી વોર્ડમાં પ્રવેશી ગયો હતો અને વોર્ડમાંથી ત્રણ બાળકોને બચાવી હેમખેમ બહાર આવી ગયો હતો.પીડિયાટ્રીક વિભાગમાં આગ લાગતા વોર્ડમાં દાખલ બાળકોની માતાઓ હોસ્પિટલ નીચે બાળકોને બચાવો..બચાવો..ની બુમરાણ મચાવીને રડી રહી હતી. ત્યારે ક્રિષ્ણા એકસાથે ત્રણ બાળકોને ચાદરમાં લપેટીને હેમખેમ લાવતા માતાઓની આંખો હર્ષના આંસુથી છલકાઈ ગઈ હતી. ત્રણેય બાળકોની માતાઓએ ક્રિષ્ણાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સયાજી હોસ્પિટલની નર્સે જણાવ્યું હતું કે, ત્રીજા માળે આગ લાગી હતી. ૩પ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે તમામ બાળકો હાલ સુરક્ષિત છે.