(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર,તા.૧પ
ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં ઘૂસી અપહરણકારોએ ધોળે દિવસે કોન્ટ્રાક્ટરનું અપહરણ કર્યું હતું જો કે પોલીસને જોઈ તેને છોડી મૂક્યો હતો.
ગત રોજ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ પરીખ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં ફેબ્રિકેશનનાં કોન્ટ્રાક્ટનું કામ કરતા અંકલેશ્વરના સુનીલ રામચન્દ્ર જયસ્વાલ કોન્ટ્રાક્ટના કામ માટે ગયા હતા. તે સમયે તલોદરા ગામના (૧) કુંદન વસાવા (ર) કરન વસાવા (૩) રૂસલ વસાવા તથા બીજા આઠ જેટલા ઈસમો આવી કહેવા લાગેલ કે તુ કેમ અહીયા આવેલ છે. તેમ કહી પાઈપ, દંડા લઈ સુનીલને મારવા લાગેલા, બરડાના ભાગે હાથના ભાગે માર મારેલ ત્યાર બાદ તેમણે સુનીલને તેની જ સ્કોર્પીયો ગાડીમાં બેસાડ્યા બાદ મારા મારી કરનારાઓ પૈકીના એવું કહેતા હતા કે તને માજી સરપંચ રવજીકાકા બોલાવે છે. તેમ કહી તેનું અપહરણ કરી તલોદરા તરફ આવવા નીકળ્યા હતા. તલોદરા બસ સ્ટેન્ડ પાસે પોલીસની પેટ્રોલિંગની ગાડી આવતા અપહરણકારો સુનીલ જયસ્વાલને તેની ગાડી સાથે છોડી મુકી ભાગી ગયા હતા. ભોગ બનનાર સુનીલ જયસ્વાલે ઝઘડિયા પોલીસ મથકમાં (૧) કુંદન વસાવા (ર) કરન વસાવા (૩) રૂસલ વસાવા તમામ રહે.તલોદરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.