(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૭

દેશના તમામ રાજ્યોના ડીજીપીઓની કચ્છમાં યોજાયેલી કોન્ફરન્સમાં વડાપ્રધાને જુદા-જુદા રાજ્યોના પોલીસ વડાઓને દર ત્રણ મહિને એક સંયુકત મીટિંગ યોજવા આપેલા આદેશને પગલે ગાંધીનગરમાં વેસ્ટર્ન રીજીયન કો-ઓર્ડિનેશન મીટિંગ યોજાઈ હતી.

રાજ્યના પોલીસ વડા પી.પી.પાંડેએ આ મીટિંગમાં જણાવ્યું હતું કે, આ મીટિંગથી રાજ્યો વચ્ચે કો-ઓર્ડિનેશનથી એક બીજાને વધુ ઉપયોગ થઈ શકીએ અને સાથે મળીને દેશની સુરક્ષા વધુ મજબૂત બનાવી શકીએ છીએ. આધુનિક સમયમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધવાના કારણે ગુનેગારો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ક્રાઈમ કરી રહ્યા છે અને ગુનેગારો સિમિત રહ્યા નથી. જે અનુસંધાને આ મીટિંગમાં દેશના બોર્ડરના રાજ્યો અને જિલ્લાઓ એકબીજા સાથે સંકલન સાધી, ડેટા શેરીંગ, ઈન્ફોર્મેશન શેરીંગ તેમજ ગુમ થયેલા લોકોના ડેટાની આપ-લે કરવા તેમજ દારૂ અને ડ્રગ્સના કંટ્રોલ માટે ચર્ચા હાથ ધરવામાં આવેલ હતી. ઈન્ટર સ્ટેટ કો-ઓર્ડિનેશનથી દેશની સુરક્ષા વધુ મજબૂત થશે તેમ રાજ્યના ડીજીપીએ જણાવ્યું હતું.

આ પ્રસંગે મધ્યપ્રદેશ ડીજીપી રિશીકુમાર શુકલા, મહારાષ્ટ્ર ડીજીપી સતીષ માથુર, છત્તીસગઢ એડીજીપી રાજેશ મિશ્રા, રાજસ્થાન એડીજીપી એનઆરકે રેડ્ડી અને ગોવા પોલીસ અધિક્ષક ઉમેશ વાય ગૌનકર હાજર રહેલ તેમજ અધિક પોલીસ મહાનિર્દેશક, તકનિકી સેવાઓ એ.કે.સિંગ, અધિક પોલીસ મહાનિર્દેશક, તાલીમ કે.કે.ઓઝા, અધિક પોલીસ મહાનિર્દેશક, પોલીસ રીફોર્મ વી.એમ.પારગી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.