(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૯
કોરોના વાયરસને પગલે ચીનથી ભારત પરત આવ્યા બાદ ૧૮ દિવસથી હરિયાણાના માનેસર કેમ્પ અને દિલ્હીનાં છાવલા ખાતે આઇટીબીપી સેન્ટર ખાતે રાખવામાં આવેલા વડોદરાના બે સહિત ગુજરાતના ૪૦ વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા છે. જેથી તેમના પરિવારજનોમાં ખુશી વ્યાપી ગઇ છે. જોકે વડોદરાના શ્રેયા અને વૃંદે જણાવ્યું હતું કે, ચીનના વુહાનમાં અમને સતત કોરોના વાયરસના ચેપનો ડર લાગતો હતો. ઉલ્લેખનીય છે કે, તમામ વિદ્યાર્થીઓના કોરોના વાયરસના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી.ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. જ્યાં વુહાનની હુબેઇ યુનિવર્સિટી સહિત વિવિધ યુનિવર્સિટીઓમાં ગુજરાતના ૪૦ વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેમાં વડોદરાના પણ બે સ્ટુડન્ટ ફસાયેલા હતા. વડોદરા નવાયાર્ડ ડી-કેબીન સ્થિત રેલવે કોલોનીની વિદ્યાર્થિની શ્રેયા જૈમન અને સમા તળાવનો વિદ્યાર્થી વૃંદ પટેલ પણ સામેલ હતા. જો કે, ભારત સરકારે ચીનના વુહાન એરપોર્ટથી તમામ વિદ્યાર્થીઓ ગત ૩૧ જાન્યુઆરીએ એરલીફટ કર્યા હતા અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને ઓબ્જર્વેશન માટે હરિયાણાના માનેસર અને દિલ્હીના છાવલા ખાતે આઇટીબીપી સેન્ટર ખાતે રાખવામાં આવ્યા હતા. જ્યાં તમામ વિદ્યાર્થીઓના કોરોના વાયરસના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. ત્યારબાદ તબક્કાવાર વિદ્યાર્થીઓને ઘેરે મોકલવામાં આવ્યા હતા. ચીનમાં એમબીબીએસનો અભ્યાસ કરતી શ્રેયા જૈમને જણાવ્યું હતું કે, ચીનના વુહાનનો માહોલ ખૂબ જ ભયાનક હતો. ત્યાં પીવાના પાણીની ખૂબ જ મુશ્કેલી પડતી હતી. કોરોના વાયરસના હાહાકારને લઇને વુહાનના રસ્તાઓ સૂમસામ ભાસે છે. કોઇ રસ્તા પર જોવા મળતું નથી. ચીનમાં એમબીબીએસનો અભ્યાસ કરતાં વડોદરાના વૃંદ પટેલે જણાવ્યું હતું કે, મારો કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે અને તેનું સર્ટીફીકેટ પણ આપ્યું છે. જેથી રજા મળ્યા બાદ હવે હું ઘરે પરત ફર્યો છું. પરિવારને મળીને હું ખૂબ ખુશ છું.