બેજિંગ,તા.૨૧
ચીનમાં કોરોના વાયરસના કારણે મોતનો સિલસિલો જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૧૮ લોકોના મોત થયા છે. અલબત્ત મોતના આંકડામાં હવે ઘટાડો થઇ રહ્યો છે છતાં કોરોના વાયરસ હજુ બેકાબુ છે. નવા નવા કેસો સતત નોંધાઇ રહ્યા છે. ગુરૂવારે ૮૮૯ નવા કેસોની પુષ્ટિ કરવામાં આવી હતી. ચીનમાં ૧૧૮ લોકોના મોતની સાથે જ મોતનો આંકડો એકલા ચીનમાં હવે ૨૨૩૬ સુધી પહોંચી ગયો છે. જ્યારે કુલ કેસોની સંખ્યા ૭૫૪૬૫ સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે ડાયમન્ડ પ્રિન્સેસ જાપાનમાં કુલ કેસોની સંખ્યા ૬૩૪ સુધી પહોંચી ગયો છે. જાપાનમાં અન્યત્ર ૯૭ કેસો નોંધાયા છે. એક મોત થયુ છે. આવી જ રીતે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા ૭૬૭૩૮ થઇ ગઇ છે. જ્યારે મોતનો આંકડો ૨૨૪૭ સુધી પહોંચી ગયો છે. રિક્વર થયેલા લોકોની સંખ્યા વધીને ૧૮૫૭૯ સુધી પહોંચી ગઇ છે. ચીનમાં સાવેચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હવે કોરોના વાયરસ બેકાબુ છે. કોરોના વાયરસના કારણે ચીનમાં જે વિસ્તારો સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે. ચીનના જુદા જુદા શહેરોમાં ૬ કરોડથી વધારે લોકો હાલ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોના વાયરસને લઇને ઇન્ફેક્શન દુનિયાના દેશોમાં ફેલાઇ રહ્યો છે. ત્યારે સાવચેતીના તમામ પગલા દુનિયાના દેશો લઇ રહ્યા છે. ચીન સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં વાયરસ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી. જે દર્દી ગંભીર છે તે પૈકી અનેક જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. ચીની સત્તાવાળાઓ દ્વારા હુબેઇ અને તેના પાટનગર વુહાનમાં ૫૬ મિલિયન લોકોને નિરીક્ષણ હેઠળ મુકવામાં આવ્યા છે. હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેના પર કાબુ મેળવી લેવામાં હજુ સુધી સફળતા મળી રહી નથી. ચીનના આરોગ્ય વિભાગના તમામ લોકો નિસહાય દેખાઇ રહ્યા છે. માત્ર ચીનમાં જ નહીં બલ્કે દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. જેમાં ભારત પણ સામેલ છે. અલબત્ત નવા કેસોની સંખ્યા ઘટી છે પરંતુ હજુ કેસો દરરોજ હજારો નોંધાઇ રહ્યા છે. જાપાનમાં પણ કોરોના વાયરસના કારણે ભારે દહેશત છે. તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.