(એજન્સી) મુંબઇ, તા. ૮
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના નાંદેડમાં ખેડૂતોની રેલીને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, પાછલા ત્રણ વર્ષમાં મહારાષ્ટ્રના ૯૦૦ ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે અને સરકાર ઊંઘી રહી છે. રાહુલે જણાવ્યું હતું કે, દેશના ઉદ્યોગપતિઓની જરૂર છે પરંતુ દેશના ખેડૂતોની પણ જરૂર છે. ફક્ત ઉદ્યોગપતિઓના સહારે દેશ ચાલી શકતો નથી. રાહુલ ગાંધી શુક્રવારે મહારાષ્ટ્રના પ્રવાસે હતા. રાહુલે મરાઠવાડા વિસ્તારના નાંદેડ અને પરભણી જિલ્લાઓનો પ્રવાસ કરશે. તેઓ પહેલા નાંદેડ પહોંચ્યા હતા જ્યાં પાર્ટી કાર્યકરોને મળ્યા હતા. ત્યારબાદ તેમણે પરભણીના કેટલાક ગામોનો પ્રવાસ કર્યો હતો. મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રમાં લોન માફી અને ખેડૂતોની આત્મહત્યાઓને લઇ રાહુલે અવાજ ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધી સવારે ૧૦.૩૦ કલાકે નાંદેડ પહોંચ્યા હતા, તેઓ સૌથી પહેલા સ્થાનિક નિગમોની ચૂંટણી લડનારા, પાર્ટી પદાધિકારીઓ, બ્લોક અધ્યક્ષ, મરાઠવાડાના જિલ્લા અધ્યક્ષો અને જનપ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, નાંદેડ મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે જ્યાં ઓક્ટોબરના મધ્યમાં નિગમોની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રોડ દ્વારા પરભણી પહોંચ્યા હતા જે નાંદેડથી બે કલાક દૂર છે. માર્ગમાં તેઓ ગામના લોકો અને ખેડૂતોને પણ મળ્યા હતા. રાહુલે ખેડૂતોની સંઘર્ષ સભાને પણ સંબોધી હતી. અહીં તેમણે જણાવ્યું હતું કે, પાછલા ત્રણ વર્ષમાં મહારાષ્ટ્રના ૯૦૦ ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે દુષ્કાળ પ્રભાવિત મરાઠવાડા વિસ્તારમાં આશરે ૧૦૦થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
કોર્પોરેટ સાથે દેશને ખેડૂતોની પણ જરૂર : રાહુલ ગાંધી

Recent Comments