(એજન્સી) તા.૨૬
ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના તમિલનાડુ એકમના અધ્યક્ષ તમિલિસાઈ સુંદરરાજન વિરૂદ્ધ પોલીસને કેસ દાખલ કરવા માટે આદેશ આપ્યો છે. આ આદેશ તુતુકૂડીની નીચલી અદાલતે આપ્યો હતો. તમિલિસાઈ સૌંદર્યરાજન પર સોફિયા નામની એક વિદ્યાર્થિની સાથે ગેરવર્તૂંણક અને તેને ધમકી આપવાનો આરોપ છે. ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર કોર્ટે આ આદેશ સોફિયાના પિતા એ.એ.સ્વામીની ફરિયાદ આપ્યો છે. અગાઉ તે તમિલનાડુ રાજ્ય માનવાધિકાર પંચને પણ પત્ર લખી ચૂક્યા છે. તેમાં તેમણે સુંદરરાજન પર તેમની દીકરીને હેરાન કરવાનો આરોપ મૂક્યો હતો. અહેવાલ અનુસાર ૩ સપ્ટેમ્બરે સોફિયાએ એક ઉડાન દરમિયાન ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. આ વિમાનમાં તમિલિસાઈ સુંદરરાજન પણ મુસાફરી કરી રહ્યાં હતા. વિદ્યાર્થિની દ્વારા સૂત્રોચ્ચાર કરવા પર તેમણે અને તેમની સાથે મુસાફરી કરી રહેલા લોકોએ વાંધો વ્યક્ત કર્યો હતો. તમિલિસાઈની ફરિયાદ પર સોફિયાને ૪ સપ્ટેમ્બરે ૧૫ દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાઈ હતી. તેમણે મીડિયા સાથે વાત કરતાં આશંકા વ્યક્ત કરી હતી કે સોફિયા કોઈ આતંકી સંગઠનની સભ્ય હોઈ શકે છે. તેમણે પોલીસ સ્ટેશનમાં એમ કહેતા ફરિયાદ કરી હતી કે સોફિયાથી તેમના જીવને જોખમ છે. તેના બાદ સોફિયાની ધરપકડ કરી હતી. નોંધનીય છે કે લ્યુઈસ સોફિયા કેનેડામાં યુનિવર્સિટી ઓફ મોન્ટ્રિયલમાં ભણે છે.સુંદરરાજનની ફરિયાદને લીધે તેની ધરપકડ કરવામાં આવી હતી અને ૧૫ દિવસ માટે કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી.